રશિયાએ યૂક્રેન પર યુદ્ધની જાહેરાત કરતા યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. માતા-પિતા દ્વારા સતત સરકાર સમક્ષ બાળકોને પરત લાવવાની માંગણી કરવામાં આવી છે. યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ ફસાયેલા હોય વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને માતા-પિતા દ્વારા જાણ કરાતા વડોદરાના બાળકોને સહીસલામત પરત લાવવાના પ્રયત્નો સંસદ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના મુદ્દે ભારતના 12 વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાંના ચાર વિદ્યાર્થીઓ ગુજરાતના વડોદરાના છે. માતા-પિતા સતત બાળકો માટે ચિંતિત છે. આજે સવારે યુક્રેનના એરપોર્ટ પરથી વડોદરાના ચાર વિદ્યાર્થીઓને એમ્બેસી ખાતે પરત મોકલવામાં આવ્યા છે જેમાં વડોદરાની વિશ્વા મહેતા, પાદરાની અદિતિ પંડ્યા સહિતના ચાર વિદ્યાર્થીઓ હાલ ભારત પરત ફર્યા નથી. તેવા સંજોગોમાં તેઓને એમ્બેસી નો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે ભારત મોકલવાની માંગણી સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કરાય છે. તેઓના માતા-પિતાની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અમારા બાળકોને ભારત લાવવામાં આવે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે આ બાળકો ઘરે પરત ફરી જાય તેવી માંગણી કરાઇ છે. સાંસદ દ્વારા જણાવાયું છે કે આજની ફ્લાઈટ કેન્સલ થઈ છે આગામી સમયમાં તાત્કાલિક ધોરણે નેક્સ્ટ ફ્લાઈટમાં આ બાળકોને ઘરે પરત લાવવાની સગવડતા કરવામાં આવશે.