સોમવારે માલોદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ વ્યક્તિઓને ન્યાય મળે એ હેતુથી કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાલેજ – નારેશ્વર માર્ગને ચાર માર્ગમાં પરિવર્તિત કરવામાં આવેતેમજ નારેશ્વર નર્મદા નદીમાંથી ઓવરલોડેડ રેતી ભરી માતેલા સાંઢની જેમ દોડતા વાહનો પર નિયંત્રણ મુકવા અને અહીં આસપાસના લોકોમાં ફેલાયેલો ભયનો માહોલ દૂર કરવા માંગ કરી છે.
કોંગી અગ્રણી અભિષેક ઉપાધ્યાયે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજ – નારેશ્વર માર્ગ ઓવર લોડેડ વાહનોના કારણે બિસ્માર બનતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા. સાથે સાથે કરજણના મામલતદાર એન. કે. પ્રજાપતિ સાથે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું તેને વખોડી કાઢયું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસના નીલાબેન ઉપાધ્યાય તેમજ ભાસ્કર ભટ્ટ તથા અભિષેક ઉપાધ્યાય તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ