બેંક ઓફ બરોડા, વડોદરા શહેર રિજિયન -૨ ના વડપણ હેઠળ કૃષિ લોન વિતરણ મહાશિબિરનું ભરત મુનિ નગર ગૃહ, કરજણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાદરા, શિનોર, ડભોઈ તેમજ કરજણ તાલુકાના ખેડૂતો તથા સખી મંડળની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કૃષિ લોન મેળામાં ૩૦૯ ખેડૂતોને રૂ.૧૦.૧૨ કરોડનું માતબર ધિરાણ મંજુર કરી વિતરણ કરવામાં આવ્યું હતું.આ કૃષિ લોન મેળામાં મુખ્ય અતિથિ તરીકે ક્ષેત્રિય પ્રબંધક રાજન પ્રસાદ, અતિથિ વિશેષ તરીકે ઉપક્ષેત્રિય પ્રબંધક ચક્રવર્તી હાજર રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
વડોદરા જિલ્લાના અગ્રણી જિલ્લા મેનેજર શ્રી સુચિત કુમારે બેંકની કૃષિ ધિરાણ નીતિ અંતર્ગત બેંક ઓફ બરોડાની કાર્ય પદ્ધતિની પ્રસંશા કરી હતી. BSVS ના નિયામક દિનેશ પવારે બેંક ઓફ બરોડા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થામાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના તાલીમ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ બરોડાની અન્ય શાખાના અધિકારીઓ પણ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિગંત ભટ્ટે કર્યું હતું. કરજણ શાખાનાં મેનેજર અજિત ઠાકુરે આભારવિધિ કરી હતી. આ મહાશિબિરનું આયોજન કોરોના પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવ્યુ હતુ.