છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લાના કરજણ નગરમાં પાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ છે. ત્યારે લારી ગલ્લા અને કેબિન ધારકોના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. શનિવારના રોજ કરજણ નગરપાલિકા સામે કરજણ શહેર તેમજ તાલુકા સમિતિ દ્વારા પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકત્ર થયેલા કોંગી કાર્યકરો એ રામધૂન બોલાવી હતી.
ત્યારબાદ મીડિયા સમક્ષ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પીન્ટુ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસરો પડી છે. તેવા સમયે નગરપાલિકા દ્વારા નાના પાયે વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની લારી ગલ્લા અને કેબિનના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેનો અમે સખત વિરોધ કરી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સત્તાધીશોને આડે હાથ લીધા હતા.
લારી ગલ્લા અને કેબિન ધારકોના મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શન કાર્યક્રમને કરજણ નગરપાલિકા વિપક્ષી નેતા દિગ્વિજય સિંહ રણજીત સિંહ અટો દરિયાએ સમર્થન આપ્યું હતું.આયોજિત ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓ ભાસ્કર ભટ્ટ, અભિષેક ઉપાધ્યાય, લતાબેન સોની, જુબેદા બેન, પ્રદીપસિંહ ચાવડા, મહેબુબ તેમજ લારી ગલ્લા અને કેબિન ધારકો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ