વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનની રાજ્ય આરોગ્ય તંત્રમાં મદદનીશ નિયામક તરીકે ગાંધીનગર ખાતે બદલીથી નિયુક્તિ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના સુકાની તરીકે એક વર્ષ અને ૨૦ દિવસ એટલે કે અંદાજે ૩૮૫ દિવસના કાર્યકાળમાં તેમણે કોરોના સારવારની ગ્રામ વિસ્તારમાં વ્યવસ્થા સહિત રસીકરણ અને આરોગ્યના વિવિધ ક્ષેત્રોમાં યશસ્વી કામગીરી દ્વારા ટીમ વડોદરા રૂરલ હેલ્થની કુશળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.
ડો.જૈને તત્કાલીન અને વર્તમાન જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ વય જૂથો માટે કોરોના રસીકરણની વ્યાપક વ્યવસ્થાઓ અને ઝડપી રસીકરણને અંજામ આપવાની સાથે ગ્રામીણ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી કોરોનાની સારવાર, ઓક્સિજનની વ્યવસ્થા, કોવીડ કેર સેન્ટરોની સ્થાપના, વિવિધ સેવા સંસ્થાઓ સાથે સંકલન, ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા સહિતની બાબતોનું સુચારુ અમલીકરણ કર્યું છે. તેની સાથે તેમણે નિયમ પ્રમાણે સગર્ભા તેમજ બાળકોનું નિયમિત રસીકરણ થાય અને આરોગ્યની અન્ય યોજનાઓના અમલીકરણમાં રૂકાવટ ન આવે તેની કાળજી લઈને સર્વ સ્તરે સંકલિત ટીમ વર્ક કર્યું છે.
તેઓ ડો.પાઠકજીની નિવૃત્તિ બાદ વિભાગીય આરોગ્ય નિયામક તરીકે વધારાની જવાબદારી સંભાળતા હતા જે દરમિયાન કોરોના સહિત વિવિધ રસીઓના પુરવઠાની જાળવણી ની જવાબદારી અદા કરી છે. વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ, પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની તેમણે સારી કામગીરી દ્વારા પ્રસંશા મેળવી છે.