વડોદરા જિલ્લા વહીવટી તંત્ર લોકકલ્યાણ માટે કેટલી ત્વરાથી અને સંકલનથી કામ કરી રહ્યું છે, તેનું ઉદાહરણ આજે જોવા મળ્યું હતું. શિનોર તાલુકાના નેત્રહિન ભાઇ બહેનને કલેક્ટર અતુલ ગોરની સૂચનાથી માત્ર પાંચ દિવસમાં સારવાર થઇ હતી અને તેમાંથી બહેનને સાધન સહાયરૂપે નવી દ્રષ્ટિ મળી હતી.
મૂળ વાત એમ છે કે, કલેક્ટર અતુલ ગોર ગત તા.૧૩ ફેબ્રુઆરીના રોજ શિનોર તાલુકામાં ફેરણીમાં હતા. તે દરમિયાન તેમના ધ્યાને વાત આવી કે, દરિયાપુર ગામે રહેતા અને શ્રમકાર્ય કરતા બાલુભાઇના સંતાન પુત્ર અનિલ અને વૈશાલી આંખોથી જોઇ શકતા નથી. કલેક્ટરએ તેમની મુલાકાત લીધી અને તેમની આંખોની તપાસ કરાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જૈનને સૂચના આપી હતી.
કલેક્ટરની સૂચના બાદ બીજા જ દિવસે સીમલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક ટીમ ઓપ્થેલમિક સહાયક દિવ્યા કોસરેકર સાથે દરિયાપુર ગામે પહોંચી ગઇ હતી. જ્યાં આ ટીમે ભાઇબહેનની આંખોની તપાસ કરી તો માલૂમ પડ્યું કે, અનિલને આંખે સાવ દેખાઇ શકતું નથી. જ્યારે વૈશાલીને એક આંખથી ઝાંખુ દેખાઇ શકે છે. એટલે, તેમને વળતા દિવસે વધુ તપાસ માટે વડોદરાની જમનાબાઇ હોસ્પિટલમાં આંખોના નિષ્ણાંત તબીબ ડો. દેવિકા મોટવાણી પાસે લઇ આવવામાં આવ્યા. જ્યાં ડો. મોટવાણીએ ભાઇબહેનના વિવિધ પ્રકારના રિપોર્ટ કર્યા, ટેસ્ટ કર્યા અંતે એવું તારણ નીકળ્યું કે, અનિલને આંખે દેખતો કરવા માટેનો કોઇ ઉપચાર નથી. કોઇ આંખો દાનમાં આપે તો પણ તે કામે લાગે નહીં, તેવી તેમની મસ્તિકામાં કુદરતે વિમાસણ ઉભી કરી છે. પણ, વૈશાલીને ટેલિસ્કોપિક ચશ્માથી દૂરનું અને નજીકનું દેખાઇ શકે એમ છે. એટલે, તેમને બજારમાં જેમની કિંમત સહજે રૂ. આઠેક હજાર થાય એવા ટેલિસ્કોપિક ચશ્મા આપવામાં આવ્યા. આ વ્યવસ્થાથી વૈશાલી એક આંખથી સ્પષ્ટ જોઇ શકે છે. દૂર રહેલા વ્યક્તિને ઓળખી શકે એટલી સક્ષમ થઇ ગઇ છે.
વાત એટલેથી પૂરી થતી નથી! ઉક્ત આરોગ્યલક્ષી તપાસની પ્રક્રિયા થઇ રહી હતી, તે દરમિયાન કલેક્ટરએ સમાજ સુરક્ષા વિભાગને આ ભાઇ બહેનને સરકાર તરફથી મળવાપાત્ર લાભો આપવા સૂચના આપી હતી. એટલે, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મયંક ત્રિવેદીએ પણ તુરંત સાધનિક પ્રક્રિયા કરીને બન્નેના લાભો મંજૂર કરી દીધા હતા. એટલે, હવે બન્નેને રાજ્ય સરકારની સંત સૂરદાસ યોજના હેઠળ માસિક રૂ. ૬૦૦નો લાભ મળતો થઇ ગયો છે.
આજે આ પરિવાર ફોલોઅપ તપાસ કરાવવા આવ્યો ત્યારે કલેક્ટર અતુલ ગોરને મળવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યો હતો. ત્યારે, પરિવારે ગળગળા સ્વરે આભાર માન્યો હતો. એટલે જે કહેવાયું છે કે, સરકારનું કામ એ ભગવાનનું કાર્ય છે.