છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લાના કરજણ નગરમાં પાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ છે. ત્યારે લારી ગલ્લા અને કેબિન ધારકોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ મૂળ નિવાસી એકતા મંચ મેદાનમાં આવ્યું છે. શુક્રવારના રોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા લારી ગલ્લા અને કેબિન ધારકોના સમર્થનમાં કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. કરજણ તાલુકા સેવા સદન સંકુલમાં લારી ગલ્લા અને કેબિન ધારકોને સાથે રાખી મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.
નગરપાલિકા હાય હાય, ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા બે અઢી વર્ષથી દેસમાં કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસરો પડી છે. તેવા નગરપાલિકા દ્વારા નાના પાયે વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ ની દુકાનોના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પોતાના પરિવારના ગુજરાન માટે દુકાનો ખોલી બેઠા હતા.
ત્યારે નગરપાલિકા દ્વારા નાના વેપારીઓના પેટ પર લાત મારવાના આક્ષેપ કર્યા હતા. વેપારીઓની અધિકારીએ વાત ન સાંભળી હોવાના પણ આક્ષેપ આવેદનપત્રમાં કર્યા છે. કરજણ નગરમાં અન્ય ઘણા બધા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો છે. તે દબાણો પાલિકા ન દૂર કરતી હોવાના આક્ષેપ અને નાના વેપારીઓને નિ સહાય કરવાના આક્ષેપો કર્યા હતા. તો તાકીદે આવા નાના વેપારીઓને દુકાનો પુનઃ ચાલુ કરાવી નાના વેપારીઓને ન્યાય મળે એવી રજૂઆત કરી હતી.
યાકુબ પટેલ, કરજણ