આઈપીએલ -2022 ઓકશનમાં વડોદરાના ચાઇનામેન બોલર અંશ પટેલ પર પંજાબ કિંગ્સની ટીમે બોલી લગાવી હતી. પંજાબ કિંગ્સે અંશને રૂા. 20 લાખમાં ખરીદતાં તેના પરિવારમાં આનંદની લાગણી ફરી વળી હતી. વડોદરામાં જન્મેલ અંશ પટેલ માતા-પિતા સાથે કેનેડામાં રહેતો હતો. પણ ક્રિકેટ પ્રત્યે વધુ રસ જાગતાં તેના ક્રિકેટ પ્રેમને લીધે પરિવાર કેનેડાથી વડોદરા શિફટ થયો હતો. અંશ પટેલના પિતા કેનેડામાં ક્રિકેટ રમવા જતા હતા ત્યારે અંશ પિતા સાથે જતો હતો. તે વખતે તેની ઉંમર માત્ર 3 વર્ષની હતી. તે વખતથી અંશને ક્રિકેટમાં રુચિ હતી. જે બાદ 6 વર્ષની ઉંમરથી અંશે ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. જે બાદ કેનેડાની પ્રોફેશનલ ક્રિકેટમાં પણ અંશ રમ્યો હતો.
અંશની ક્રિકેટની રુચીને લઈને પિતાએ વડોદરામાં જાણીતા ક્રિકેટર્સ સાથે ચર્ચા પણ કરી હતી. ત્યારે વર્ષ 2012 માં એક જાણીતા ક્રિકેટરે અંશને લઈને ભારત આવી તેનું કેરિયર બનાવવા તેના પિતાને કહ્યું હતું. ત્યારથી પરિવાર વડોદરા સ્થાયી થયું છે. અંશે વડોદરા આવી જાણીતા ક્રિકેટર અંશુમન ગાયકવાડની એકેડમીમાં તાલીમ શરૂ કરી હતી. જે બાદ અંશ 8 વર્ષ માટે YSC કલબ માટે ક્રિકેટ રમ્યો હતો. જે બાદ તે હાલમાં રિલાયન્સની ટીમ તરફથી રમે છે. આ દરમ્યાન અંશ બરોડા ક્રિકેટ એકેડમી તરફથી અંડર- 16, અન્ડર -19 અને સૈયદ મુસ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં રમ્યો છે. હવે IPL બાદ અંશ ભારતીય ટીમ તરફથી રમવા માંગે છે. અને તેના માટે મહેનત કરી રહ્યો છે.
IPL-2022માં પંજાબ કિંગ્સની ટીમે અંશની પસંદગી કરી હોવાની જાણ થતાં પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. અંશની માતા નિશા પટેલે જણાવ્યું હતુંકે, અંશને બાળપણથી જ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. જેથી તેઓ પરિવાર સાથે કેનેડાથી વડોદરા સ્થાયી થયા હતા. અને અંશની IPLમાં પંજાબ કિંગ્સ દ્વારા પસંદગી કરતા પરિવારજનો બુમો પડી ઘરની બહાર નીકળી ગયા હતા. અંશની માટે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અંશને ભારતીય ટીમ માટે રમતા જોવા માંગે છે.
વડોદરાના અંશ પટેલની પંજાબ કિંગ્સ આઈપીએલમાં પસંદગી થતા ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષની લાગણી.
Advertisement