વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આવેલ નર્મદા નદીના કિનારા પરના ઓવારા પાસે નવીન પોલીસ ચોકી નારેશ્વર ટ્રસ્ટના સહયોગથી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેનું લોકાર્પણ કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દિન પ્રતિદિન કરજણ તાલુકા સહિત ગુજરાતમાં યાત્રાધામ નારેશ્વરની લોકપ્રિયતા પર્યટકોમાં ખૂબ વધવા માંડી છે. તેમજ શ્રી રંગ અવધૂત મહારાજનો આશ્રમ પણ આવેલો હોય દર્શનાર્થે આવતા લોકોની ભીડ પણ પ્રસંગોપાત વધતી હોય છે.
હજારોની સંખ્યામાં સહેલાણીઓ તેમજ ભક્તો નારેશ્વર ખાતે આવી પહોંચતાં હોય છે. ઉપરાંત થોડા દિવસો અગાઉ ઓવારા પર મુકવામાં આવેલ શ્રી રંગ અવધૂત મહારાજની પ્રતિમા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખંડિત કરવાનો બનાવ પણ બન્યો હતો. તેવામાં નદીના ઓવારા પર બનાવવામાં આવેલ પોલીસ ચોકી જાહેર જનતાની સલામતી માટે આશીર્વાદરૂપ સાબિત થનાર હોવાનું ગામલોકો દ્વારા જાણવા મળે છે. નારેશ્વર ટ્રસ્ટ દ્વારા ઓવારા પર સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવશે એમ જાણવા મળે છે. પ્રસંગે ટ્રસ્ટી યોગેશભાઈ સહિત ભક્તો, ભાજપના કાર્યકરો તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
યાકુબ પટેલ, કરજણ