સૌજન્ય-DB/વડોદરાઃ શહેરમાં કે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો નથી અને ઉપરવાસમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું નથી પરંતુ તેમ છતાં વિશ્વામિત્રી નદીની સપાટી ચાર ફૂટ બતાવવામાં આવતાં નાગરિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. સામાન્ય રીતે પાણીની સપાટી શૂન્ય હોવી જોઈએ.
ચોમાસાની સીઝન તા.31 ઓકટોબરે પૂરી થઇ રહી છે અને તેની પૂર્ણાહુતિ આડે એક મહિનો અને છ દિવસ બાકી રહ્યા છે. 40 ટકા શહેરીજનોને પાણી પૂરું પાડતા આજવા જળાશયની સપાટી 209.90 ફૂટે સ્થિર છે અને છૂટાછવાયા વરસાદને બાદ કરતાં મેઘરાજાની પધરામણી થઇ નથી. જોકે, ભાદરવા મહિનામાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ચાર ફૂટ નોંધાઇ છે અને તેનો ઉલ્લેખ પાલિકાની સત્તાવાર વેબસાઇટ પર છે.
શહેરમાં શ્રીજી વિસર્જન પૂર્વે વરસાદે તોફાની બેટિંગ કરી હતી પરંતુ ગણતરીના કલાકોમાં પાણી ઓસરી ગયાં હતાં.આ સંજોગોમાં,વિશ્વામિત્રી નદીની સપાટી વગર વરસાદે ચાર ફૂટે પહોંચી છે અને તેનું વહેણ સતત ચાલુ રહેવા પામ્યું છે. કાલાઘોડા અને નરહરિ બ્રિજ પાસે કાળા રંગના પાણી સાથે વિશ્વામિત્રી વહી રહી છે. સુવેઝ પંપિંગ સ્ટેશનની આસપાસવાળી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વહેણ ચાલુ રહેતાં તેને લઇને શંકાકુશંકા વહેતી થઇ છે.