Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ધનપુરી પ્રાકૃતિક પ્રવાસન કેન્દ્રમા ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા અપાતા ૭૬ હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત.

Share

પાનખરમાં પણ આગવો વનવૈભવ ધરાવતા જાંબુઘોડા અભયારણ્યના હ્રદયમાં આવેલું ધનપુરીનું જંગલ રાજ્યભરના, ખાસ કરીને વડોદરાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પૂરવાર થયું છે. છેલ્લા ત્રણ વર્ષ જ વર્ષમાં ધનપુરી સ્થિત વન વિભાગની ઇકો ટુરિઝમ સાઇટની ૭૬૯૫૭ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ પ્રવાસીઓ વડોદરા તરફના છે. સમગ્ર રાજ્યની આ એક માત્ર સાઇટ એવી છે કે તેની મુલાકાત લેતા પ્રવાસીઓને વીમા સુરક્ષા કવચનો લાભ મળે છે.

૧૩૦ ચોરસ કિલોમિટરનો ફેલાવો ધરાવતા જાંબુઘોડા અભયારણ્યમાં વડોદરા વન વિભાગ દ્વારા જુદા જુદા સ્થળે ઇકો ટુરિઝમ સાઇટ બનાવવામાં આવી છે. લોકોમાં વન્યજીવો અને વનસંપદાના સંરક્ષણ-સંવર્ધન પ્રત્યે જાગૃતતા વધે એ માટે સુવિધા સંપન્ન પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો કાર્યરત છે. તેમાં ધનપુરી આગવું તરી આવે છે. તેના મુખ્ય કારણો છે, એક તો ત્યાં પ્રવાસીઓને નજીવા દરે મળતી ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા અને બીજુ કારણ તેને કુદરતે બક્ષેલી સૌંદર્યતા !

ડ્રાય ટ્રોપિકલ ડિસિડ્યુઅસ પ્રકારના જંગલ ધરાવતા ધનપુરી આસપાસ ધનેશ્વરી માતાજીની ટેકરી સહિતની નાની પર્વતમાળા આવેલી છે. આ જંગલ દીપડા, રીંછ, નીલગાય જેવા હિંસક-તૃણાહારી ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓ અને સરિસૃપોનું રહેઠાણ છે. માનવસર્જિત કોલાહલ પણ સ્પર્શી ના શકે એવી નિરવ શાંતિ અહીં મળે છે. આ શાંતિ તમને પ્રગલ્ભતા તરફ દોરી જાય છે.

કુદરતની વ્યવસ્થાને અકબંધ રાખી વન વિભાગે અહીં એક વનકેડી નિયત કરી છે. એકાદ કિલોમિટર લાંબી આ વનકેડી પ્રવાસીઓને જંગલમાં પરિભ્રમણનો લ્હવો આપે છે. ટીમરૂ, ખાખરા, વાંસના ઉંચા વૃક્ષો વચ્ચેથી થતું પરિભ્રમણ પ્રવાસીને પ્રકૃત્તિ તરફ વધુ નજીક લઇ આવ્યા વીના રહે નહીં ! આ વનકેડીની બીજી વિશેષતા એ છે કે, સરળ ચઢાણ હોવાથી એકંદર સ્વાસ્થ્ય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પણ થોડી ચોક્કસાઇ સાથે એના પર ચાલી શકે છે. બાકીના પ્રવાસીઓ માટે સરળતાથી પર્વતારોહણ થઇ શકે છે.

આ વન કેડીનું પરિભ્રમણ તમને નજીકમાં આવેલા કડા ડેમના ઉત્તર બાજુના ઓવારા તરફ લઇ જશે. આમ તો કડા ડેમાં પાણી ભરાયું ત્યારે પણ તેમનો નજારો અદ્દભૂત હોય છે, ઉનાળાના કારણે ક્રમશઃ પાણી ઓછું થતાં ખુલ્લી થતી જમીન પરથી ચામેર આવેલી પર્વતમાળાનું દ્રષ્ય અલગ અહેસાસ કરાવે છે. નિર્મળ જળ ઉપર ઉઠતા નાના મોજા અને પક્ષીઓનો કલરવ જંગલના વાતાવરણની અનુભૂતિ કરાવે છે. પાણીમાં તરતા પક્ષીઓને જોતા જ બેઠા રહેવાનું મન થાય !

કડા ડેમના ઓવારા પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી. ડેમના અંદરના ભાગમાં પર્વતમાળા પાછળ અસ્તાચળમાં અદ્રષ્ય થતાં સૂરજદાદા કે નવલ પ્રભાત લાવતા સૂર્યનારાયણના દર્શન નવી ચેતના બક્ષ્યા વિના રહેતું નથી. વહેલી સવારનું ભ્રમણ સ્ફૂર્તિ અને તાજગીદાયક બની રહે છે.

Advertisement

ધનપુરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે વડોદરા વનવિભાગ દ્વારા ફાઇવસ્ટાર હોટેલ સમકક્ષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એસી-નોન એસી રૂમ્સ, કોન્ફરન્સ હોલ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ગાઇડ, વાહન, સાયકલ વોક, અમુલ પાર્લર અને સોવેનિયર શોપ ઉપરાંત કડા ડેમ ખાતે વોચ ટાવર અને ટેન્ટ બનાવવામાં આવ્યા છે. ધનપુરી આસપાસ છએક ખાનગી રિસોર્ટ આવેલા છે. તેના દરો સાથે સરખામણી કરવામાં આવે તો અહીં સાવ નજીવા દરે આ સુવિધા મળે છે.

અહીં કેન્ટીનમાં ચૂલા ઉપર રાંધેલું ભોજન પીરસવામાં આવે છે. પરંપરાગત આદિવાસી વ્યંજનોનો સ્વાદ ક્યારેય ભૂલાઇ નહીં, એવો હોઇ છે. આ કેન્દ્રનું સંચાલન ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં ગામના પ્રત્યેક ઘરમાંથી એક સભ્ય છે. અહીં આવતા પ્રવાસીઓ કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક વેસ્ટ ના છોડે, પ્રકૃતિ અને પર્યાવરણની આમન્યા જાળવે, વન્ય જીવોને ખલેલ ન પહોંચે તેની કાળજી લે એ અપેક્ષિત છે. આ અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ પરવાનગીને આધીન છે અને વન કેડી પર પરિભ્રમણ સમયે ઉચિત તકેદારી રાખવી જરૂરી છે. તેમ કાર્યકારી મદદનીશ વનસંરક્ષક શ્રી એચ. ડી. રાઉલજીએ કહ્યું હતું.

સમિતિના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાણા કહે છે, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮૩૬૨, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૩૬૪૫ અને આ વર્ષમાં અત્યાર સુધીમાં ૨૪૯૫૦ પ્રવાસીઓએ મુલાકાતી લીધી છે. આ સમયગાળા દરમિયાન રૂ. ૧૪૯ લાખની આવક થઇ છે. મુલાકાત લેનારા પ્રવાસીઓ પૈકી ૨૫ ટકા જેટલા લોકો અહીં રાતવાસો કરે છે. વન વિભાગના માધ્યમથી ગામના ૩૦ લોકોને સીધી રોજગારી મળે છે.


Share

Related posts

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે પાણીની લાઈન ફાટી જતા મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો બગાડ જોવા મળ્યો

ProudOfGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં ગરીબ પરિવારની દીકરીઓને નિ:શુલ્ક સિલાઈ મશીનો તેમજ શાળાનાં ગરીબ છાત્રોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 અને 5 માં આરસીસી રોડ અને પેવર બ્લોકનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!