ગોધરાના રમીલા પટેલિયાને ૧૭ મી જાન્યુઆરીના રોજ ધીરજ હોસ્પિટલમાંથી રુક્મિણી ચેન્નાની પ્રસૂતિ વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા. એકદમ સામાન્ય પરિવારના આ મહિલાની હાલત ખૂબ ગંભીર હતી અને ગમે તે ક્ષણે ગમે તે થાય એવી અમંગળ આશંકા સૌના ચહેરા પર જોઈ શકાતી હતી.
જો કે સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે સ્ત્રીરોગ, યૂરોલોજી, એનેસ્થેસિયા, સર્જરી, મેડીસિન, મેડિકલ નર્સિંગ હોમ, કોવિડ આઇસીયુ,આ તમામના તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકો, આ બધાનો આ દર્દીનો જીવ બચાવવાનો ભરસક પ્રયાસ અને અથાગ પરિશ્રમ સફળ થયો છે.આજે જ્યારે રમીલાબેન સાજાસમા થઈ હસતા ચહેરે ઘેર જવા વિદાય થયાં ત્યારે દર્દીના પરિવારને આનંદ થવો સ્વાભાવિક હતો પરંતુ તેની સાથે તેમની સારવાર કરનાર સૌ ના ચહેરા પર સંતોષનું સ્મિત જોઈ શકાતું હતું.
તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે રમીલાબેનની નિષ્ઠા સાથે સારવાર કરનાર સૌને આ જીવન રક્ષક તબીબી સારવારના અદભૂત ટીમ વર્ક માટે ધન્યવાદ સાથે અભિનંદન પાઠવ્યા છે.
રમીલાબેનની સારવાર સાથે સંકળાયેલા સિસ્ટર ભાનુબેન ઘીવાલાએ જણાવ્યું કે આ દર્દીને અધૂરા માસે તકલીફ થતાં ગર્ભસ્થ શિશુનું ગર્ભમાં જ મરણ થયું હતું અને કેસની જટિલતાને જોતાં ગોધરાની હોસ્પિટલે વધુ સારવાર માટે તેમને ધીરજ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
ધીરજ હોસ્પિટલમાં તેમનું સિઝેરિયન કરીને તેમને ભયમુક્ત કરવામાં આવ્યા. પરંતુ તે પછી તેમને તાવ આવ્યો અને આરટીપીસીઆર પોઝિટિવ આવતા તેમને ગંભીર હાલતમાં સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. સયાજીમાં તેમને પહેલા પ્રસૂતિ વિભાગમાં અને પછી મેડિકલ નર્સિંગ હોમના આઈસોલેશન વોર્ડમાં તાકીદની સારવાર આપવામાં આવી.તે દરમિયાન કોવિડ આઇસીયુ શરૂ થતાં ત્યાં ખસેડવામાં આવ્યા.તેમનું ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું અને બાયપેપ પર પણ સારવાર કરવામાં આવી.તેના ટાંકાની સુધારણા અને જરૂરી ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું. ધીરજપૂર્વકની સારવાર રંગ લાવી અને તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે તેમને રિકવરી વોર્ડમાં અને પછી જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા અને આજે લગભગ ૨૫ દિવસની સઘન સારવાર પછી સંપૂર્ણ સાજા થઈ તેઓ ઘેર પાછા ફર્યા. સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ ફરી એકવાર સરકારી દવાખાનાની ઉત્તમ સેવાઓનો દાખલો બેસાડ્યો.