ભાજપની વિકાસની ગુલબાંગો વચ્ચે મયંક પટેલનો આક્રોશ, વુડા અને પાલિકાના અધિકારીઓએ વડોદરાના વિકાસનો શ્વાસ રૂંધ્યો છે ‘વિકાસને શોધો, વડોદરા બચાવો’ ‘વડોદરાથી અધિકારીઓના પાપે લાપતા થયેલા વિકાસને શોધી આપનારને ક્રેડાઈ તરફથી યોગ્ય ઇનામ આપવામાં આવશે’ તેવી પોસ્ટ વડોદરા ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે કરતાં વિવાદ સર્જાયો છે.
ભાજપ શાસન કર્તાઓની વિકાસની ગુલબાંગો વચ્ચે ક્રેડાઈ પ્રમુખે વાસ્તવિકતા બતાવી શહેરનો વિકાસ નહીં થવા માટે અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા. ક્રેડાઇ પ્રમુખ, યુનિ.ના સિન્ડિકેટ સભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય યોગેશ પટેલના જૂથના મયંક પટેલે સોશિયલ મીડિયા પર વડોદરાનો વિકાસ નહીં થવા પાછળ અધિકારીઓને જવાબદાર ગણાવતી પોસ્ટ મૂકી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને વુડાના
અધિકારીઓ દ્વારા કાયદાના ખોટાં અર્થઘટન કરવામાં આવી રહ્યાં છે. શહેર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યુ છે છેલ્લાં ત્રણ વર્ષથી ક્રેડાઇ દ્વારા તમામ સ્તર પર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ નિકાલ લાવવામાં આવતો નથી. વર્ષ 2011 થી શહેરની ટીપીઓ પેન્ડિંગ પડી છે. વુડાની પણ એ જ હાલત છે. ડેવલપર 40 ટકા જમીન ઓથોરિટીને સરન્ડર કરવા માટે જાય છે ત્યારે પણ 6 મહિના જેટલો સમય પસાર કરવામાં આવે છે એટલું જ નહીં રજા ચિઠ્ઠી ઓનલાઇન મેળવી લીધા બાદ વિકાસ પરવાનગીમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ માટે પણ 6 મહિના કાઢવામાં આવે છે. આ અંગે તમામ ધારાસભ્યોએ અને રાજકીય નેતાઓએ ડેવલોપર્સની રજૂઆતને વાચા આપવા માટે અધિકારીઓને જણાવ્યું છે, તેમ છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. અધિકારીઓ કાયદાના ખોટા અર્થઘટન કરી વડોદરાના વિકાસ પર નાગની જેમ કુંડળી મારીને બેઠા છે, એટલે હવે વડોદરાની જનતાએ જાગવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વુડાના અધિકારીઓ દ્વારા વુડા વિસ્તારમાં મકાન બનાવવા માટેની પ્રક્રિયામાં કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ ધ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે ક્રેડાઈ પ્રમુખ દ્વારા પણ અધિકારીઓ સામે મોરચો ખોલવામાં આવતાં ખળભળાટ મચ્યો છે. કોઇ રજૂઆત કરવા જાય તો પોલીસ ફરિયાદની ધમકી અપાય છે મયંક પટેલે જણાવ્યું હતું કે અધિકારી રાજ બંધ કરવાની જરૂર છે. કોઇ રજુઆત કરવા જાય તો પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદની ધમકી અપાય છે. વડોદરાને પ્રયોગ શાળા બનાવી દીધી છે.