કરજણ ખાતે અવિરત સેવા પ્રદાન કરતી સેવાભાવી સંસ્થા મૂળ નિવાસી એકતા મંચના ત્રણ વર્ષ પૂર્ણ થતા કરજણ ખાતે ઉજવણી કરાઇ હતી. સાથે સાથે ૨૦૨૨ વર્ષના કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ કરજણ કોર્ટ સામે આવેલી દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવ્યો હતો ત્યારબાદ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમાર સહિત કાર્યકરોએ ઉજવણીના ભાગરૂપે કેક કાપી ઉજવણી કરી હતી.
ત્યારબાદ કાર્યકરોએ આતશબાજી પણ કરી હતી. કાર્યક્રમ બાદ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મૂળ નિવાસી એકતા મંચની સ્થાપનાને ત્રણ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી. દર વર્ષની જેમ કેલેન્ડર થકી ઘરે ઘરે બહુજન સમાજની વિચારધારા પહોંચે એ હેતુથી ઉજવણી કરવામાં આવી હતી.
મૂળ નિવાસી એકતા મંચનો એકમાત્ર ઉદ્દેશ પ્રજાની સમસ્યાને વાચા આપવાનો તેમજ પ્રજાના પ્રશ્નોને સતત વાચા આપી ઉજાગર કરવાનો છે. વિમોચન કરાયેલા કેલેન્ડર કરજણ નગરપાલિકા, તાલુકા પંચાયત, પોલીસ મથક, તાલુકા સેવાસદન ખાતે આવેલી વિવિધ કચેરીઓમાં વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમાર સહિત કરજણ નગર તેમજ તાલુકાના મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ