વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ રંગ અવધૂત મહારાજની મૂર્તિને ખંડિત કરવામાં આવતા ભરૂચ કોંગ્રેસ સમિતિના અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા ડીજીપી ગુજરાત રાજ્ય ગાંધીનગર આશિષ ભાટિયાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.
આ રજૂઆતમાં સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે કરજણમાં આવેલ નારેશ્વર શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે. અહીં કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા રંગ અવધૂત મહારાજની મૂર્તિને ખંડિત કરવાનું કૃત્ય કરવામાં આવેલ છે જેના કારણે સંત સમાજ અને નારેશ્વર ધામના અનુયાયીઓની લાગણી દુભાય છે. આ પ્રકારની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી છે. તેમજ આ પ્રકારની ધાર્મિક બાબતોને ઠેસ પહોંચે અને સમાજમાં આંતરીક વૈમનસ્ય ઊભુ કરનારા તત્વોને ડામવા માટે સોશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવી ધાર્મિક લાગણી કોઈ પણ ધર્મની ના દુભાય તેવી પણ આ તકે સંદીપ માંગરોલાની માંગણી છે.