FILE PIC_સૌજન્ય-વડોદરા: ચાર વર્ષ પૂર્વે સુભાનપુરા સ્થિત રહેતા યુવકનાં લગ્ન મુંબઇની યુવતી સાથે થયાં હતાં. પરિણીતાને પિયરમાંથી રૂપિયા મંગાવવા માટે પતિ સહિત સાસરિયાં દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હતો. પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધની આશંકા રાખી તેનો પતિ પરિણીતા પર ત્રાસ ગુજારતા હતો. પતિ સાથે ગોવા ફરવા ગયેલી પરિણીતાને બળજબરી તેના જ પતિએ દારૂ પીવડાવી માર મારી અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. સમગ્ર મામલે પરિણીતાએ પતિ સહિત સાસરિયાં વિરુધ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતા પાસે સોનાની ચેઇન,બાઇક અને દર મહિને પિયરમાંથી રૂપિયા લાવવાનું કહેતા હતા
મુંબઇ રહેતી પરિણીતાએ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુભાનપુરા બેચરભાઇ પાર્કમાં રહેતા પીંકેશ દિલીપભાઇ પંચાલ સાથે વર્ષ 2014માં લગ્ન થયાં હતાં. પીંકેશ સોનાની ચેઇન, બાઇક તેમજ દર મહિને પિયરમાંથી રૂપિયા લઇ આવવાનું કહેતો હતો. પરિણીતા પાસે રોજની 20થી 25 રોટલીઓ બનાવડાવી ઘરનાં સભ્યો બે રોટલી ખાય તો પરિણીતાને પણ બે જ રોટલી ખાવા દબાણ કરતાં અને બાકીની રોટલી ગાય અને કૂતરાંઓને ખવડાવી દેતાં હતાં.પીંકેશ તેની પત્ની સાથે ગોવા ફરવા માટે ગયો હતો. જ્યાં પત્નીને બળજબરી દારૂ પીવડાવી અંગત પળો માણતો વીડિયો મોબાઇલમાં ઉતારી માર માર્યો હતો.
જોકે પીંકેશની નોકરી છૂટી જતાં બાઇક ખરીદવા માટે પિયરમાંથી રૂ. 2 લાખ રૂપિયા લાવવા માટે અવારનવાર પરિણીતા પર દબાણ કરતો હતો. પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ તેના પતિ, સસરા દિલીપભાઇ, સાસુ પન્નાબેન અને નણંદ વૈશાલીબેન વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપી રૂપિયાની માંગણી કરતાં હોવાની ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પત્ની જીઇમેઇલનો પાસવર્ડ ભૂલી જતાં પતિ તેણી પર શંકા કરી ફેસબુકની પણ ચકાસણી કરતો હતો.
સાસરિયાં વહુને કહેતાં કે ઠંડે પાણીએ નાહવું પડશે
સાસરિયાં ગરમ પાણીએ સ્નાન કરી લે ત્યારબાદ વહુને નાહવા માટે કહેતાં હતાં અને જ્યારે વહુ ગરમ પાણીથી સ્નાન કરવા માટે જાય ત્યારે તેણીને ઠંડા પાણીએ જ નાહવા માટે દબાણ કરતાં હતાં.