Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની કરાઇ ઉજવણી.

Share

વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩ માં જનસત્તાક દિનની દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને પોલીસ બેંડની રાષ્ટ્રગીતની સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ પણ જોડાયા હતા. સમગ્ર  ઉજવણી સીમિત હાજરી અને કોવીડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી હતી. કલેક્ટર અતુલ ગોર તથા પોલીસ કમિશનર સમશેર સિંઘ મંત્રીને આવકારી પોડિયમ તરફ દોરી ગયા હતા.

જ્યાં તેમણે પરંપરા મુજબ ૯ વાગ્યે તિરંગાને લહેરાવ્યો હતો. બાદમાં પોલીસ બેંડ પર રાષ્ટ્રીય ગીતની સૂરાવલી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તત્પશ્ચાયત, આ ત્રણેય મહાનુભાવોએ ખુલી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું હતું બાદમાં મંત્રીએ નાગરિકોને શુભકામનાઓ આપતા પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે. આજના પાવન દિને ૭૨ વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દિર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અનેક કિર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન વિકાસના નવતર સોપાનો સર કરી રહ્યાં છીએ. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષીત ગુજરાત રહે એ માટે સરકાર દિવસ રાત મહેનત કરીને નિષ્ઠાપૂર્વક જનતાની પડખે ખભે ખભા મિલાવીને ઊભા રહેવાવાળા છીએ. પ્રભારી મંત્રીએ કહ્યું કે છેલ્લા દોઢ-બે વર્ષથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે બાથ ભીડી રહ્યું છે. ભારત દેશે ૧૫૦ કરોડ ઉપરાંતના રસીકરણની ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે, કોરોનાને નાથવાના જંગમાં ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત મક્કમતાથી અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં કોરોનાની મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધે, સંક્રમણ અટકે તેમ જ મહામારી સામે રક્ષણ મળે તે ઉદ્દેશ્યથી રાજ્યમાં છેલ્લા ૧૨૧ દિવસમાં ૫૩.૮૭ લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૨.૩૩ કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. હાલ કુલ ૪.૭૭ કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૩૬ કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સુશાસનમાં ગુજરાતની અગ્રેસરતા અનોખી છે. કોરોનાને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન ન થઈ શકવાને કારણે યુવાનો નોકરીની તકોથી વંચિત ન રહી જાય એ માટે ભરતી માટેની વયમર્યાદામાં ૧ વર્ષની છૂટછાટ આપવાનો ક્રાંતિકારી યુવાહિતલક્ષી નિર્ણય અમે કર્યો છે.

મંત્રી પરમારે એમ પણ કહ્યું કે ધરતીપુત્રોની પડખે સરકાર સદાય ઊભી રહી છે. એ વાત નિર્વિવાદ છે કે, હરિયાળું ગુજરાત તો ખુશહાલ ખેડૂત બનશે. તેથી રાજ્યમાં ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોની રૂ. ૨,૦૮,૦૦૦ની કૃષિ આવક હતી. વર્ષ-૨૦૨૨માં ખેડૂતોની કૃષિની આવક રૂ. ૨,૯૩,૦૦૦ પહોંચાડવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. અસરગ્રસ્તોની પડખે આ સરકાર હંમેશા અડિખમ ઊભી રહી છે. કુદરતી આપત્તિઓએ ગુજરાતને વાંરવાર હચમચાવ્યું છે. તે પછી વાવાઝોડુ હોય કે પૂર હોય કે પછી ભૂકંપ હોય કુદરતી આપત્તિઓ વખતે રાજ્ય સરકાર લોકોની પડખે ઉભી રહી છે.

આ પ્રસંગે રાજ્યના ડૉક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ તથા કોરોના કાળમાં લોકોની સેવામાં પોતાનું યોગદાન આપનાર તમામ કોરોના યોધ્ધાઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. પરેડમાં જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ, એનસીસી, શ્વાનદળ, અશ્વદળની ટૂકડીઓ જોડાઇ હતી. પરેડનું નેતૃત્વ સહાયક પોલીસ કમિશનર રાધિકા ભરાઈએ કર્યું હતું. વડોદરામાં યોજાતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પરેડ પ્રથમ વખત કોઈ મહિલાએ નેતૃત્વ કર્યું હોય તેવો આ અવસર હતો. પરેડમાં કુલ ૧૨ કુમકોએ ભાગ લીધો હતો સાથે, વિવિધ આઠ કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ૧૯ કમૅયોગીઓનું મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ સામે તકેદારી ડોઝ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રજાસત્તાક દિનની શુભકામનાઓની આપલે કર્યા બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા અને સીમાબેન મોહિલે, અગ્રણી વિજયભાઈ શાહ તથા અશ્વિનભાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈ, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, કાર્યપાલક ઇજનેર સાહસ પટેલ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

જંબુસર : સારોદ ગામે VECL એફલુએન્ટ કેનલનું કેમિકલ યુક્ત પાણી ફરી વળતાં ખેતીનાં પાકને ભારે નુકસાન.

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરમાં હશનૈન સિપાઈ યુવા ગ્રુપ નો પ્રથમ સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!