વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર સુધી જતો પાલેજ – નારેશ્વર માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઇ જવા પામ્યા હતા. બિસ્માર માર્ગના સમાચારો ગત નવમી જાન્યુઆરીના રોજ મીડિયાના માધ્યમથી પ્રસારિત થતા તેમજ માર્ગની ખખડધજ હાલતને ધ્યાને લઇ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ માર્ગના નવીનીકરણ માટે રૂપિયા ૩૨ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપતા માર્ગનું કામ હાથ ધરવામાં આવશે.
માર્ગ બિસ્માર બનતા કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહીશ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમારે કરજણ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ માર્ગ મંજુર કરનાર ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. માર્ગનું નવીનીકરણ થશે ત્યારે વાહનચાલકો તેમજ ૧૯ કીમી ના પટ્ટામાં આવેલા ગ્રામજનોને રાહત મળશે.
યાકુબ પટેલ, કરજણ