વડોદરામાં દિવસે દિવસે કોવિડ-19 ના કેસોમાં વધારો થતો જાય છે. તેમજ તાવ, શરદી, ખાંસીના કેસો વધતા જાય છે.
વડોદરામાં નાના ભૂલકાઓ પણ કોરોનાના કહેરમાં સંક્રમિત થવાનો ખુલાસો આજે એસ. એસ. જી. હોસ્પિટલના બાળવિભાગના ડોકટરે કર્યો હતો. પરિવારમાં નાના ભૂલકાઓની કિલકારીઓ ગુંજતિ હોય છે તેવામાં માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યો કોરોના પોઝિટિવ થતાં બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાતા નાના ભૂલકાઓની પણ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉદ્દભવી છે. વડોદરામાં એસ. એસ. જી હોસ્પિટલના બાળવિભાગના ડૉ. શીલા ઐયરે જણાવ્યું છે કે, એક થી બે મહિનાના નવજાત શિશુને કોવિડ-19 પોઝિટિવ આવતા માતા તથા બાળક બંનેને આઇસોલેશન વોર્ડમાં રાખી સારવાર આપવામાં આવે છે. માતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા બાળક પણ સંક્રમિત થયા છે. તેવામાં માતા અને બાળક બંનેની કાળજી લેવી આવશ્યક છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં વધુ પડતાં બાળકો પણ સંક્રમિત થયા છે, જેમાં તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાતા બાળકોના કોવિડ રિપોર્ટ કરવામાં આવતા બાળકોમાં પણ સંક્રમણની સંખ્યા વધતી જણાય છે. હાલના સંજોગોમાં પૂરેપૂરા ઘરના તમામ સભ્યો કોરન્ટાઈન હોય તેવું પણ જાણવા મળ્યું છે. આથી નવજાત શિશુ અને 10 વર્ષ સુધીના બાળકો સંક્રમિત થયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે બાળકોની અભ્યાસ, ખેલકૂદની ઉંમર હોય છે પરંતુ વધુ પડતાં સંક્રમણમાં બાળકો પણ બાકાત ન રહેતા નાના ભૂલકાઓ પણ સંક્રમિત બન્યા છે. શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચાલે છે તેમ છતાં નાના બાળકો અને નવજાત શિશુમાં કોરોનાના લક્ષણો દેખાતા ડોકટરો પણ ચિંતામાં મુકાયા છે.