વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાંથી પસાર થઇ રહેલા બરોડા – મુંબઇ એકસપ્રેસ હાઇવેના માલ સામાનની ચોરી સંદર્ભે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ સંદર્ભે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં એક ઇસમની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર હાલમાં બરોડાથી મુંબઈ સુધી એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. જેનું પાદરાથી ભરૂચ સુધીનું આશરે 64 કીમી હાઇવેની બંને બાજુએ ચેનલિન્ક ફેંસિંગ (R.O.W) નું કામ કોન્ટ્રાકટથી રાજકોટની શ્રીજીકૃપા કન્ટ્રક્શનને રાખેલ હોવાનું જાણવા મળે છે.
જે હાલમાં કરજણ તાલુકાના સાંપાથી સુરવાડા ગામની સીમમાં બે માસ અગાઉથી કામ ચાલી રહ્યું છે. આ કામ અર્થે કન્ટ્રક્શન એજન્સી દ્વારા લોખંડની એન્ગલો ઊભી કરેલ હતી. તેના સપોર્ટ માટે નીચેના ભાગે અન્ય એન્ગલો અને આર.સી.સી. બીમ ભરવા માટેની લોખંડની પ્લેટો લગાવેલી હતી. ઉપરાંત લોખંડના સળિયા તેમજ પી.વી.સી. પાઇપો મુકેલી હતી. ઉપરોક્ત કિંમત રૂ.1,37,790/- નો માલસામાન શુક્રવારે રાત્રીના સ્થળ ઉપર જોવા નહીં મળતાં કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયા બાબતની પોલીસ ફરિયાદ કોન્ટ્રાકટર નરેશભાઈ પ્રાગજીભાઈ ડોબરીયા રહે. રાજકોટનાઓએ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા અબ્દુલ લતીફ યુસુફભાઈ પટેલ રહે. સાંપા નાઓની ધરપકડ કરી હતી.ચોરીમાં હજુ કેટલા શખ્સો સંડોવાયેલા છે. તે ધરપકડ કરાયેલા અબ્દુલ લતીફના પોલીસ રિમાન્ડ દરમિયાન જાણવા મળશે.
યાકુબ પટેલ, કરજણ