કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાં બની રહેલ બરોડાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામગીરી માટેનો મુકેલો લોખંડની એન્ગલો, સળિયા સેંટિંગ માટેની પ્લેટો અને પી.વી.સી.પાઈપ મળી કુલ મુદ્દામાલ રૂ.1,37,790/- નો માલસામાન કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયા બાબતની પોલીસ ફરિયાદ કરજણ દફતરે નોંધાવા પામી છે.
મળતી માહિતી અનુસાર હાલમાં બરોડાથી મુંબઈનો કીમ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. જેનું પાદરાથી ભરૂચ સુધીનું આશરે 64 કીમી હાઇવેની બંને બાજુએ ચેનલિન્ક ફેંસિંગ (R.O.W) નું કામ કોન્ટ્રાકટથી રાજકોટની શ્રીજીકૃપા કન્ટ્રક્શનને રાખેલ હોવાનું જાણવા મળે છે. જે હાલમાં કરજણ તાલુકાના સાંપાથી સુરવાડા ગામની સીમમાં બે માસ અગાઉથી કામ ચાલી રહ્યું છે. આ કામ અર્થે કન્ટ્રક્શન એજન્સી દ્વારા લોખંડની એન્ગલો ઊભી કરેલ હતી. તેના સપોર્ટ માટે નીચેના ભાગે અન્ય એન્ગલો અને આર.સી.સી. બીમ ભરવા માટેની લોખંડની પ્લેટો લગાવેલી હતી. ઉપરાંત લોખંડના સળિયા તેમજ પી.વી.સી.પાઇપો મુકેલી હતી. ઉપરોક્ત કિંમત રૂ. 1,37,790/- નો માલસામાન ગત રાત્રીના સ્થળ ઉપર જોવા નહીં મળતાં કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયા બાબતની પોલીસ ફરિયાદ કોન્ટ્રાકટર નરેશભાઈ પ્રાગજીભાઈ ડોબરીયા રહે. રાજકોટનાઓએ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યાકુબ પટેલ, કરજણ