જલારોટલો !! આ નામ સંભાળી તમને કોઇ આશ્રમનો ભોજન પ્રસાદ યાદ આવી જશે, પણ એવું નથી. જલારોટલો હોટલોમાંથી મળતા પેકેજ્ડ ફૂડ જેવો છે. પણ, તેની પાછળની કથા રોચક છે. એક-બે વર્ષ પહેલાની વાત છે. કોરોના વાયરસની અસરો ટાળવા માટે લોકડાઉન ચાલતું હતું. આ આપદાના કારણે ફસાયેલા લોકો માટે સમગ્ર વડોદરા એક થયેલું. પ્રવાસી શ્રમિકો કે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા માટે અનેક યુવાનો જોડાયેલા. તેમાં ૩૧ વર્ષનો આ યુવાન પણ સામેલ હતો. હોસ્પિટલમાં એક દિવ્યાંગ અને નિરાધાર વૃદ્ધાને સારવાર માટે આવતી જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠયુ અને ત્યાંથી શહેરમાં શરૂ થયો જઠરાગ્નિ તૃપ્તિનો યજ્ઞ જલારોટલો !
આપણે રાજમાર્ગ ઉપરથી પસાર થતાં હોઇએ ત્યારે ફૂટપાથ ઉપર દારુણ, ગોબરી અવસ્થામાં પડી રહેલી વ્યક્તિની દરકાર લે એવી માનવીય સંવેદના આધુનિક યુગમાં હવે જવલ્લે જ જોવા મળે છે. આવા સંવેદનના સંક્રમણકાળમાં વડોદરા શહેરના નીરવ કિશોરભાઇ ઠક્કર નામના ૩૩ વર્ષીય યુવાને લોકડાઉનમાંથી શીખ મેળવી નિરાધાર, ભીક્ષુકોને ભોજન કરાવવાનો મનુષ્ય યજ્ઞ આરંભ્યો છે.
આ પેકેજ્ડ ભોજન થાળ એટલે લિજ્જતદાર, સ્વીટ અને પાણીની બોટલ સાથે અને હોટેલમાં મળે એવું જ ! નિરવભાઇ અને તેમની સાથે બીજા દસેક યુવાનો આ સેવામાં જોડાયેલા છે. તે રોજ સવારે ૧૧ વાગ્યે પોતાની બાઇક અથવા ઉપલબ્ધ હોઇ એ વાહનમાં ૫૦ ફૂટપેકેટ લઇ નીકળી પડે હરિનગર બ્રિજ નીચે, રેલવે સ્ટેશન આસપાસ, એસએસજી હોસ્પિટલ, કમાટી બાગ જેવા વિસ્તારમાં ૫૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા અને નિરાધાર હોઇ એવા ભીક્ષુકો, મનોદિવ્યાંગોને ભોજન કરાવે. એક શાક, રોટલી, દાળભાત અને સ્વીટ જેવી વાનગી આ જલારોટલામાં હોય છે. ભોજન પીરસવાનું લેશમાત્ર અભિમાન નહીં, જલારોટલા સાથે પ્રેમ પણ પીરસવાનો !
માનવસહજ કરુણા અને પ્રેમ સાથે ભોજન કરાવવાની સાથે જો એ યાચક માંદગીમાં હોઇ તો તેને સારવાર માટે લઇ જવાનો. વળી, તેમને સાફસુથરા પણ રાખવાનો પ્રયાસ કરવાનો. યાચકના બાલદાઢી કરાવવાના. આ માટે એક વાળંદ પણ સેવા આપે છે. તેમને એક કિટ આપવામાં આવે છે. જેમાં માથામાં નાખવાનું તેલ, બોડી લોશન, શેમ્પુ, બ્રશ જેવી વસ્તુ હોય છે. તે કહે છે, વડોદરામાં રહેતા આવા નિરાધાર લોકો સરકાર ફેસેલિટીમાં ટકતા નથી. પરિવાર ના હોવા કારણે તેઓ ભટકતા રહે છે. ઘેરા માનસિક આઘાતમાંથી પસાર થતાં હોય છે. એથી સારવાર આપવી કે કોઇ એક સ્થળે રાખવા કપરૂ બની જાય છે. વળી, સૌરાષ્ટ્રમાં જેટલા સેવાભાવી આશ્રમો છે, એટલા અહીં નથી આથી નિરાધાર લોકો ભટકતા રહે છે.
નીરવ કહે છે, શરૂઆતના તબક્કામાં મારી તમામ મૂડી જલારોટલાના સદ્દકાર્યમાં ઉપયોગમાં લીધી છે. હવે, વ્યક્તિગત દાનથી આ સેવાકાર્ય ચાલે છે. અમારો અનુભવ છે કે, કોઇ વ્યક્તિ સારૂ કાર્ય કરતા હોઇ તો તેમને મદદ કરવા માટે અનેક લોકો તૈયાર જ હોય છે. ઇશ્વરની ઇચ્છા હશે ત્યાં સુધી અમે આ સત્કર્મ શરૂ રાખશું.