મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગની સમર્પિત અને કાળજીભરી સારવારથી જંગલી રીંછના હુમલામાં મોટા પ્રમાણમાં ઘવાયેલા ગ્રામીણ લગભગ સાજા થઈ ગયાં છે. તેમને ૧૫ દિવસથી વધુ સમય સુધી આ વિભાગમાં લગભગ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી અને હાલ વન્ય જીવે કરેલી ઈજાઓથી લગભગ ક્ષતવિક્ષત થયેલા એના ચહેરાને નવનિર્માણથી પૂર્વવત કરવામાં લગભગ સફળતા મળી છે અને તેમની હાલત હવે ઘણી જ સારી છે. એકાદ દિવસમાં તેમને દવાખાનામાંથી રજા આપી દેવામાં આવશે.
ઉપરોક્ત જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા અને સહ પ્રાધ્યાપક ડો. શૈલેશકુમાર સોનીએ જણાવ્યું કે પહેલી જાન્યુઆરી એ જ્યારે આ ઈજાગ્રસ્તને અમારા વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનો ચહેરો રીંછે કરેલી ઈજાઓથી લગભગ વેર વિખેર થઈ ગયો હતો અને સારવાર ક્યાંથી શરૂ કરવી એની મૂંઝવણ થાય એવી પરિસ્થિતિ હતી. જોકે સાથી તબીબો અને ટીમના સહયોગથી વિકટ સંજોગોમાં આ ઇજાઓની પ્લાસ્ટિક સર્જરીના કૌશલ્યોનો વિનિયોગ કરીને તેમના ચહેરાનું નવ નિર્માણ હાથ ધર્યું હતું. હવે તેમના ઉપરી ટાંકા કાઢી નાખ્યાં છે અને અંદરના ટાંકા આપોઆપ ઓગળી જશે.
તેઓ હાલમાં વાત કરવી, આંખોનું હલન ચલન કરવું, ખાવું પીવું, સરળતાથી શ્વાસ લેવા જેવી મૂવમેન્ટ કરી શકે છે.
હવે ફિઝિયોથેરાપી વિભાગની ભૂમિકા તેમની અમારા વિભાગની સારવાર લગભગ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં, તકેદારી રૂપે તેમણે ૧૫ થી ૨૦ દિવસે બતાવવા આવવાનું રહેશે. તેમને હવે ખાસ દવા લેવાની નથી. લોહીની પૂર્તિ માટે અને શક્તિ માટે મલ્ટી વિટામિન ની દવાઓ હાલમાં લેવાની રહેશે. હવે તેમને ફિઝીયોથેરાપી વિભાગમાં ખાસ કરીને આંખોની અને ચહેરાના હલનચલનની કસરતો શીખવાડવામાં આવશે જે તેઓ જાતે તેમના ઘેર રહીને કરી શકશે.
આ ગ્રામીણને અમે વિકટ પરિસ્થિતિમાંથી ઉગારી શક્યા એનો મને અને મારી ટીમને આનંદ છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.સોનીએ જણાવ્યું કે અમે આ સરકારી દવાખાનામાં સાધન સંપન્ન ખાનગી હોસ્પિટલ જેવી જ સારવાર આપીએ છે. ફરક એટલો છે કે બહાર આ સારવાર ખૂબ ખર્ચાળ છે જ્યારે સરકારી દવાખાનામાં તે લગભગ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
અમારા વિભાગને બરોડા મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયર નું મજબૂત પીઠબળ અને પ્રોત્સાહન છે.અમારી ટીમ ઉત્તરોત્તર વધુ સમર્પિત સેવાઓ આપવા કટિબદ્ધ છે.
સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોની કમીટેડ સારવાર સેવાઓથી આ દવાખાનાના આદ્ય સ્થાપક મહારાજ સયાજીરાવને સાર્થક અંજલિ મળે છે તો તેની સાથે રાજ્યની આરોગ્ય સેવાઓને વધૂને વધૂ મજબૂત કરવાના રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના પ્રયત્નો સાર્થક થાય છે.