રાજ્યમાં દારૂબંધી છે. પરંતુ રાજ્યમાં દારૂ લાવવા માટે અને લાવેલો દારૂ લોકો સુધી પહોંચાડવા માટે બુટલેગરો અવનવા રસ્તા અપનાવતા હોય છે. કેટલીક વખત બુટલેગરોની ચાલાકી પોલીસથી છુપી રહેતી નથી. તો કેટલીક વખત સંજોગોવસાત દારૂની હેરાફેરીનો પ્લાન ખુલ્લો પડી જાય છે. વડોદરામાં આજે આવી જ એક ઘટના બની જેના સાક્ષી બીજુ કોઇ નહિ પરંતુ કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે છે.
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ બપોરના ગાળામાં એક યુવક એક્સેસ ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ. એન્ડ ટી. સર્કલ તરફ જઇ રહ્યો હતો. યુવકની ટુ વ્હીલર પર બે પોટલા રાખેલા હોય છે. સુત્રના જણાવ્યા પ્રમાણે યુવકનું ટુ વ્હીલર બ્રિજ ઉતરીને નીચે આવતા જ રખડતા ઢોરની અડફેટે તે આવી જાય છે. વાહનની સ્પીડ એટલી હોય છે કે તે વાહન પર કાબુ રાખી શકતો નથી. અને તેનું બેલેન્સ બગડે છે. અને તેની પાસે રાખેલા પોટલાઓ રસ્તા પર પડી જાય છે. આ સાથે પોટલામાં મુકી રાખેલી દેશી દારૂની પોટલીઓ રસ્તા પર વિખેરાઇ જાય છે. તેટલામાં તો યુવક જગ્યા પરથી નાસી છુટે છે. કેટલીક પોટલીઓ તો રસ્તામાં ફાટી જવાને કારણે આખાય રસ્તા પર દુર્ગંધ મારે છે. તેવા સમયે એક મહિલા લોકોને આ સ્થળથી દુર રહીને જવા માટે વિનંતી કરતી જોવા મળે છે.