શિક્ષણ સચિવ અને વડોદરાના પ્રભારી ડો.વિનોદ રાવે આજે સૌથી મોટી સરકારી હોસ્પિટલો સયાજી અને ગોત્રીની મુલાકાત લઈને ઓક્સિજન અને બેડ સહિત આ રોગની સારવારની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાની સાથે પરામર્શ કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે રસીકરણનાં ઊંચા પ્રમાણને લીધે આ લહેરમાં ચેપનો ફેલાવો ઝડપી હોવા છતાં લોકોને રાહત થઈ હોય એવું લાગી રહ્યું છે.જેથી જેમનો મુખ્યત્વે બીજો ડોઝ બાકી હોય તેઓ ઝડપથી રસી લઇ લે.
સયાજી હોસ્પિટલ ખાતે માધ્યમો સાથે સંવાદ કરતાં તેમણે જણાવ્યું કે પહેલી બે લહેરોના અનુભવને આધારે વિવિધ બાબતોમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.સેવા અને સુવિધાના અભાવે કોઈને મુશ્કેલી ના પડે તે સુનિશ્ચિત કરાશે. એડવાન્સ અને એડિકવેટ પ્લાનિંગ કર્યું છે અને જરૂરિયાતના સંજોગોમાં આસપાસના જિલ્લાઓમાંથી તબીબો,નર્સિંગ સ્ટાફ અને આ ક્ષેત્રના વિદ્યાર્થીઓના મોબિલાઈઝેશનની રૂપરેખા બનાવી છે.
આ લહેરમાં ચેપના ફેલાવાની ઝડપ વધુ છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જો કે દર્દીઓમાં ફેફસાં નો ચેપ અને ઓક્સિજન ડિપેન્ડન્સી હાલમાં ઓછી છે.દવાખાનામાં દાખલ થવાનું પ્રમાણ ઓછું છે. હાલમાં ૩૦૦ જેટલા દાખલ દર્દીઓ છે જે પૈકી ૧૬૦/ ૧૬૩ રૂમ એર પર સારવાર લઈ રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે મે ૨૦૨૧માં ૧૪ હજાર બેડની વ્યવસ્થા હતી.સયાજી અને ગોત્રી સહિતની હોસ્પિટલોમાં ૧૧ હજાર જેટલા દર્દીઓ દાખલ હતાં.આ બંને હોસ્પિટલોમાં સારવારની ઘણી સારી કામગીરી થઇ અને વડોદરા શહેર જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જીલ્લાઓ અને અન્ય રાજ્યોના કોવીડ દર્દીઓને અહીં સારવાર મળી છે.