એલોપેથીક ચિકિત્સા પદ્ધતિ એ રોગને એવાસ્કુલર નેક્રોસિસ તરીકે ઓળખે છે.તેમાં પગના થાપાના ટોચના ભાગ એટલે કે શિરના ભાગમાં ઘસારા/ સુકારાના લીધે ખૂબ વેદના અને શારીરિક તકલીફો સહન કરવી પડે છે. તેનો ઉપાય મોટેભાગે જોઇન્ટ રિપ્લેસમેન્ટ પ્રકારની ખર્ચાળ શસ્ત્રક્રિયા છે.
વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત આમોદરના સરકારી આયુર્વેદ દવાખાનામાં ડો.હિરેન ઠક્કર દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી તેના ઉપચારની પહેલ કરવામાં આવી છે અને સારા પરિણામો મળી રહ્યાં છે એ આનંદની વાત ગણાય. હાલમાં ૨૦ જેટલા દર્દીઓ આ અસ્થી વિષયક વ્યાધિનો ઉપચાર કરાવી રહ્યાં છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન ઠક્કરે કહ્યું કે ગુજરાતમાં કદાચ એકમાત્ર અમારાં દવાખાનામાં આ રોગના આયુર્વેદિક ઈલાજની પહેલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે સારવાર હેઠળના બે થી ત્રણ દર્દીઓ તો હવે પલાંઠીવાળીને બેસી શકાય એટલા સાજા થઈ ગયા છે. તેમના રેડિયોલોજીકલ રિપોર્ટમાં પણ સકારાત્મક પરિણામો જોઈ શકાય છે. જે દર્દીઓને ઉપચારમાં લાબા સમય સુધી જીવન રક્ષણ માટે સ્ટીરોઇડયુક્ત દવાઓ આપવી જરૂરી બને છે, ઘણા સમયથી આમવાત – આર્થરાઈટિસની અસર સહિત ઘણાં પરિબળો આ ઘસારા કે સૂકારા માટે જવાબદાર હોઈ શકે છે. અમે તેની આયુર્વેદિક સારવાર શરૂ કરી અને સારા પરિણામો મળી રહ્યાં છે.
આયુર્વેદમાં આ પ્રકારની વ્યાધિઓના ઉપચારો સૂચવવામાં આવ્યા જ છે. તેને અટકાવવા માટે આહાર વિહારની તકેદારીઓ જણાવવામાં આવી છે.તેનો અમલ કરવાની જરૂર છે.ડો.ઠક્કર અને તેમના સાથીદારોએ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશી સાથે પરામર્શ અને માર્ગદર્શન હેઠળ તેના અમલની પ્રેરક પહેલ કરી છે.