સૌજન્ય-વડોદરા: વડોદરા શહેરની 18 વર્ષીય રાધા યાદવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં બોલર-ઓલરાઉન્ડર તરીકે સિલેક્શન મેળવ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 19થી 25 સપ્ટેમ્બર દરમ્યાન શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. જેમાં પાંચ ટી-20 મેચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.
રાધા યાદવ છેલ્લાં 5 વર્ષથી ક્રિકેટ રમી રહી છે.પહેલાં 2 વર્ષ મુંબઈ ક્રિકેટ ટીમ માટે અને 3 વર્ષ કેપ્ટન તરીકે બરોડા ક્રિકેટ ટીમ માટે રમી હતી. રાધાએ 18 વર્ષની વયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં બોલર-ઓલરાઉન્ડર તરીકે સિલેક્શન મેળવ્યું છે.
હું કોચ પ્રફુલ નાયક પાસે મુંબઈમાં તાલીમ મેળવતી હતી. જ્યારે પ્રફુલ સર વર્ષ 2015-16 દરમ્યાન બરોડા શિફ્ટ થયા ત્યારે મેં પણ મુંબઈ ક્રિકેટ ટીમને છોડી વડોદરા તરફ પ્રસ્થાન કર્યું હતું. વડોદરામાં આવ્યા બાદ મેં બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી સિલેક્શન મેળવ્યું હતું, અને બરોડા ક્રિકેટ ટીમ માટે કેપ્ટન તરીકે ઉત્તમ પ્રદર્શન આપી, મેં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્શન મેળવ્યું છે.મને અત્યાર સુધી ક્રિકેટમાં જે પણ સિદ્ધિ મળી છે તેમાં મહત્વનો ફાળો કોચ પ્રફુલ સરે ભજવ્યો છે. હું સારું પ્રદર્શન ના કરું અને પ્રેક્ટિસમાં યોગ્ય ધ્યાન ના આપું તો સર મારી ઉપર ગુસ્સો કરતા અને અને મારી સાથે વાતચીત કરવાનું બંધકરી દેતા હતા. જેથી મને ઉત્તમ પ્રદર્શન આપવાની પ્રેરણા મળતી હતી.અને તેના જ કારણે આજે હું અહીં સુધી પહોંચી છું, તેમ રાધાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું.
રાધા ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગમાં ઉત્તમ પ્લેયર
રાધા ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગ ત્રણેયમાં ઉત્તમ પ્લેયર છે.જેથી તે ઉત્તમ સિદ્ધિ માટે હકદાર છે, અને તેણે તે મેળવ્યું છે. હાલ મુંબઈ કરતાં વડોદરામાં વધુ સારાં પ્લેયર છે, જેને યોગ્ય ડિસિપ્લીન અને માર્ગદર્શન આપવાથી તે પ્લેયર્સ વડોદરા માટે ક્રિકેટ જગતમાં ઘણું સારું નામ કરી શકે છે. મહિલા ક્રિકેટ માટે ઘણી ઓછી ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. જો મહિલા પ્લેયર્સને બોયસ ક્રિકેટ ટીમમાં બે થી 3 પ્લેયરનો સમાવેશ કરી પ્રેક્ટિસ આપવામાં આવે તો વધુ મહિલાઓ ક્રિકેટમાં આગળ આવી શકશે. પ્રફુલ નાયક, કોચ