કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને રૂપિયા 4 લાખ વળતર આપવાની માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતી દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં સરકારી હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની સુવિધા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલતદારને આવેદન પત્ર આપવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ સહિત કાર્યકરો વિવિધ માંગ સાથેના પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.
સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલી કોરોનાની ત્રીજી લહેરમાં સમગ્ર ગુજરાત લપેટામાં આવી ગયું છે. કોરોનાનો કહેર નાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. લોકો ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા છે. ધંધા-રોજગાર ઉપર પણ અસર પડી રહી છે. વડોદરા સહિત ગુજરાતમાં રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ, સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ જેવી કોઇ સુવિધાઓ ઉપલબ્ધ નથી. લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે.
આ સ્થિતીમાં લોકોને સારી સારવાર મળે તેમજ કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારના લોકોને રૂપિયા 4 લાખનું સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ પ્રવિણસિંહ મકવાણાની આગેવાનીમાં વડોદરા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતી સાથે જિલ્લા કોંગ્રેસ અગ્રણી સાગર બ્રહ્ણભટ્ટ (કોકો) સહિત કોંગ્રેસના કાર્યકરો વિવિધ માંગો સાથેના પોષ્ટરો સાથે જોડાયા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્ણભટ્ટ (કોકો)એ જણાવ્યુ હતું કે, સમિતી દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી પાસે અમારી માંગ છે કે, કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવી સરકાર ગુજરાત ડિઝાસ્ટર મેનેમેન્ટ એક્ટનો અમલ કરવામાં આવે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસેથી જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે તેને બંધ કરાવવામાં આવે. અને સરકાર દ્વારા જે ખાનગી હોસ્પિટલોમાં લૂંટ ચલાવવામાં આવી છે. તેવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે. અને જે પરિવાર પાસે ખોટી રીતે નાણાં વસુલ કરવામાં આવ્યા છે. તેવા પરિવારોને પરત અપાવવામાં આવે. કોરોનાના ફ્રન્ટ વોરીયર ફરજ દરમિયાન અવસાન પામ્યા છે. તેવા વોરીયરના પરિવારના સભ્યને નોકરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની વાતો કરે છે તે ખોટી છે. આજે પણ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત અન્ય કોઇ સુવિધાઓ નથી.