વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કોરોના તકેદારીના નિયમો પ્રમાણે લોકોને જાહેર જગ્યાઓમાં માસ્ક પહેરવા માટે તાકીદ કરવામાં આવે છે અને જરૂર જણાયે કાયદા અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. વડોદરા શહેર પોલીસ જેમણે માસ્ક ન પહેર્યા હોય એમને તેના માટે પ્રેરિત કરવા સામે ચાલીને સ્વખર્ચે માસ્ક આપવાનું અને પોતાની તથા અન્ય લોકોની સલામતી માટે માસ્ક અવશ્ય પહેરવાની સમજાવટ પણ કરવામાં આવી રહી છે.
આ સૌજન્યના અભિગમ હેઠળ આજે રાવપુરા અને નવાપુરા પોલીસ મથકના વિસ્તારોમાં જે તે પોલીસ મથક દ્વારા વિવિધ બજારોમાં સામે ચાલીને માસ્ક આપવાની સાથે તે પહેરવાની જરૂર અને કોવિડના ચેપ સામે સુરક્ષાની સમજણ આપવામાં આવી હતી. સી ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર મેઘા તેવાર સાથે રાવપુરા તથા નવાપુરાના પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારના બજારોમાં ફર્યા હતા. રાવપુરા શી ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી.
આ પોલીસ ટીમોએ માર્કેટ ચાર રસ્તા ખાતે ભરાતા ફૂલ બજારમાં તથા વીર ભગતસિંહ ચોક ખાતે માસ્ક વિતરણની કામગીરી કરીને આશરે 350 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું અને માસ્ક પહેરીને કોરોનાથી અને દંડનીય કાર્યવાહીથી બચવાની સમજણ આપી હતી. અગાઉ ગોત્રી પોલીસ મથક દ્વારા પણ સમજાવટ અને માસ્ક વિતરણ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.