Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષી આકર્ષણનું કેન્દ્ર બન્યા.

Share

પક્ષી, નદી અને પવનની લહેરોને કોઈ સરહદ નડતી નથી એટલે જ દૂર દૂરના ઠંડા પ્રદેશોમાંથી દર વર્ષે હજારો માઈલ અવિરત ઉડીને હજારો પક્ષીઓ વડોદરા જિલ્લાના વઢવાણા જળાશય ખાતે હિંદનો એમના માટે હૂંફાળો શિયાળો ગાળવા આવે છે. પાસપોર્ટ, વિઝાની એમને કોઈ પળોજણ હોતી નથી પણ મોસમ વિતે એટલે આ પાંખાળા મહેમાનો શિસ્તબદ્ધ રીતે કાફલો ઉઠાવીને પોતાના પ્રદેશમાં જતા રહે છે.

જોકે વિરલ ગણાતા કાળી ડોક ઢોંક પક્ષી વર્ગનું એક યુગલ જાણે કે પોતાના ઠંડા વતન પાછા ફરવાનો રસ્તો જ ભૂલી ગયું હોય તેમ વઢવાણા પક્ષી તીર્થમાં પાછલા સાતથી વધુ વર્ષોથી કાયમી વસવાટ કરી રહ્યું છે. આમ તો આ પક્ષી સંપૂર્ણ એશિયા,ઉત્તર – પૂર્વ એશિયા તેમજ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. જેમનો આત્મા પક્ષી અને વન્ય જીવ છબિકલા છે તેવા ડો.રાહુલ ભાગવત જણાવે છે કે આમ તો આ પક્ષી યાયાવર છે, પણ વઢવાણામાં તેણે કાયમી વસવાટ કર્યો છે. આ પક્ષી ખૂબ મોટો માળો બનાવે છે. તે માળો ખૂબ મજબૂત હોય છે, પુખ્ત માણસ પણ આ માળામાં ઉભો રહે તો પણ આ માળાને કઈ ના થાય એટલો મજબૂત હોય છે. એકવાર બાંધ્યા પછી આ માળાનો ઉપયોગ પંખી દંપતી ઘણાં વર્ષો સુધી નિયમિત કરે છે, વઢવાણા કાંઠાના સિમલિયા ગામમાં આમલીના ઝાડ પર બનાવેલા આ માળાનું છેલ્લા સાત વર્ષથી અવલોકન કર્યું છે. એક જ માળામાં કાળી ડોક ઢોંક નિયમિત વસવાટ કરતું હતું. જે માળો ઝાડ પડી જતાં જમીન પર આવી ગયો હતો, ત્યારે તેનું અવલોકન કર્યું હતું. આ માળો અત્યારે વઢવાણા સરોવર ખાતે વન વિભાગે સાચવી રાખ્યો છે અને પ્રવાસીઓ તેનું નિરીક્ષણ કરી શકે છે. આ માળો તૂટ્યા બાદ સામેના ઝાડ પર પક્ષી યુગલે ખૂબ મહેનત કરીને બીજો માળો બાંધ્યો છે. આ પક્ષી યુગલને વઢવાણાનો કાંઠો એટલો તો માફક આવી ગયો છે કે અહીં તે સંવનન અને પ્રજનન કરે છે જેના પગલે પાછલા બે થી ત્રણ વર્ષથી એમના ઘેર પારણું પણ બંધાય છે અને પરિવાર બચ્ચાવાળો બન્યો છે. આ બધી બાબતોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ દુર્લભ પક્ષીનો માળો તૂટવા છતાં તેણે ત્યાં જ બીજો માળો બનાવ્યો પણ જગ્યા ના છોડી.

ડો.રાહુલ કહે છે કે એના પરથી એ સાબિત થાય છે કે કાળી ડોક ઢોંક બેલડી માટે અહી ખુબ જ અનુકૂળ વાતાવરણ રહેવા માટે છે. કમનસીબે આ પક્ષી નાશ પામતા પક્ષીઓની યાદી એટલે કે વંશ વિનાશના જોખમ હેઠળની યાદીમાં છે. ગુજરાતમાં ખુબ ઓછા પ્રમાણમાં તે દેખાવાના દાખલા છે. જામનગર અને કચ્છમાં ક્યારેક જોવા મળે છે. વડોદરા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે વડોદરાની આસપાસમાં આની બે જોડી કાયમી વસવાટ કરે છે.તેમજ વડોદરામાં સફળતા પૂર્વક પ્રજનન કરે છે. રાહુલભાઇ એ આ પક્ષીની જીવન શૈલીનું કલાકોના કલાકો બેસીને અવલોકન કરેલું છે તેને માળામાં પ્રણય ક્રીડા કરતા પણ અવલોકન કર્યું છે. સાપ, માછલી વગેરેનો શિકાર કરતા નિરીક્ષણ કર્યું છે. આ પક્ષી જ્યારે માળામાં ઈંડુ હોય તો નર અને માદામાંથી એક જ ખોરાક લેવા જાય છે. માળો ખૂબ ઊંચા ઝાડના ટોચે બનાવે છે, જેથી કરીને નર અને માદા એકબીજા પર નજર રાખી શકે.
ડો. રાહુલનું તારણ છે કે વડોદરાના જળ સ્ત્રોતોમાં આ પક્ષીઓને ખૂબ જ સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે છે.

Advertisement

કાળી ડોક ઢોંક બધા ઢોંક વર્ગના બગલાઓમાં સૌથી મોટો અને દમામદાર છે. તેની ચાંચ મોટી, કાળી અને ઉપરની તરફ સહેજ વળેલી, પગ લાંબા અને રંગે ગુલાબી માથું, ડોક તથા ખભા આસપાસના ભાગ સિવાયનો ઉપરનો ભાગ ચળકતો કાળો જેમાં તડકામાં વિવિધ રંગની છાય દેખાય છે. પેટાળ અને ખભા આસપાસનો પીઠનો ઉપલો ભાગ અને અડધી પાંખ સફેદ હોય છે. નર અને માદા સરખા દેખાય. નરની આંખ લાલ અને ઘેરી જ્યારે કે માદાની આંખ પીળી દૂર થીજ ખબર પડે. આનો રંગ નર અને માદાને દૂર થી જુદા તારવે છે. દમામદાર ચાલવાળું આ પક્ષી અલ્પસંખ્યક કહેવાય તેવું પક્ષી છે. નદી, તળાવો, કાદવવાળા છીછરા જળવિસ્તારોમાં જોવા મળે, એકલ દોકલ હોય, ટોળામાં ક્યારેય ન જોવા મળે એ તેની વિશેષતા.
ડો. રાહુલ ભાગવત વડોદરામાં અને આસપાસના જળ ધામોમાં જોવા મળતા પક્ષીઓના અભ્યાસી છે, જાણકાર છે. તેઓ ભારતભરમાં નિયમિત રીતે પક્ષી અવલોકન માટે જાય છે અને ભારતભરના જંગલોમાં ફરીને ૯૦૦ થી વધારે પ્રજાતિના પક્ષીઓનું અવલોકન કર્યું છે અને તેના ફોટા પાડ્યા છે. તેમના અવલોકનમાંથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે. દૂરના દેશોમાંથી વડોદરાના જાણીતા અજાણ્યા તળાવો ખાતે આવતા પક્ષીઓ આપણા મહેમાન છે તેમને સુરક્ષિત વાતાવરણ આપવાની સૌની ફરજ છે.


Share

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય એ લોકોના પશ્નોને લઈ એસ.ટી. ડેપોની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગોધરા એપીએમસી પણ કોરોના સામેની જંગમા બન્યું સહભાગી જાણો કેવી રીતે..!

ProudOfGujarat

પંચમહાલમાં “મારી માટી, મારો દેશ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશાળ રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!