Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કોવિડની ત્રીજી લહેરને અનુલક્ષીને ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ સુસજ્જ.

Share

હાલમાં જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલ ગોત્રીના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગે કરેલી વ્યવસ્થાઓ અને વોર્ડ દર્દીઓ વગર સાવ ખાલી છે. તબીબો અને સ્ટાફ આ વોર્ડ આ ત્રીજીવાર ત્રાટકેલી આફતમાં લગભગ સાવ ખાલી રહે એવી પ્રાર્થના વિનીત હૃદયે પરમાત્માને કરી રહ્યો છે. તેમ છતાં ટેકનોલોજી, મેડિકલ ઈકવિપમેન્ટ, તાલીમ પામેલા સ્ટાફ અને જરૂરી સ્ક્રીનીંગથી લઈને અલાયદા વોર્ડની વ્યવસ્થાઓ સાથે, રખે ને કોઈ કોવિડના ચેપથી સંક્રમિત સગર્ભા સારવાર કે પ્રસૂતિ માટે આવે તો ગર્ભસ્થ કે નવજાત શિશુ અને માતાની જીવન રક્ષા માટે સજ્જ છે.

પ્રથમ બે લહેરોની જેમ જ બિન સંક્રમિત સગર્ભાઓની જરૂરી પૂર્વ પ્રસૂતિ સારવાર અને સલામત પ્રસૂતિ માટે સાવ જુદી વ્યવસ્થા આ દવાખાનામાં કાર્યરત રાખવામાં આવી છે એવી જાણકારી આપતાં પ્રાધ્યાપક અને પ્રસૂતિ તેમજ સ્ત્રીરોગ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે,સંક્રમિત સગર્ભાઓ માટે સામાન્ય વિભાગથી સલામત અંતરે ટ્રાયેજ સહિતના જુદા લેબર રૂમ, વેન્ટિલેટર અને ઓક્સિજનની પૂરતી સુવિધા, ન્યુ બોર્ન બોબી કોર્નર, આઇસોલેશન વોર્ડ અને આઇસીયુ સહિતની સગવડો તૈયાર રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને પહેલી બે લહેરના અનુભવોના વિનિયોગથી સાવ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અનુભવો અને કેન્દ્ર/ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગો દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સગર્ભાઓ, પ્રસુતાઓ અને તેમના નવજાત શિશુઓની અમે કાળજી લઈશું તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે અગાઉની લહેરમાં અમે ૨૫૦ થી વધુ કોવિડ સંક્રમિત સગર્ભાઓની યોગ્ય સારવાર કરી શક્યા છે અને ૭૮ જેટલી સગર્ભાઓની સિઝેરિયન અને નોર્મલ સહિત સલામત પ્રસૂતિ કરાવી છે. અમારા સરકારી દવાખાનાની કોવિડ પ્રસૂતિ સુવિધાઓ નો શહેર જિલ્લા ઉપરાંત નજીકના જિલ્લાઓની માતાઓ એ લાભ લીધો છે.પ્રથમ બે લહેરોના શારીરિક અને માનસિક થાક થી ઉભરીને તબીબો,નર્સિંગ અને અન્ય સ્ટાફ નવી ઊર્જા સાથે નવા પડકારોનો સામનો કરવા સંકલ્પબધ્ધ છે ત્યારે નાગરિકો ચેપમુક્ત રહેવા માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ, સામાજિક અંતરના પાલન સહિત કોવિડથી બચવાના તમામ નિયમો પાળીને સહયોગ આપે.અગાઉ કોવિડ સંક્રમિત સગર્ભાને સિઝેરિયનથી પ્રસૂતિ કરાવવાનો પ્રોટોકોલ હતો. હવે ગર્ભાવસ્થા પર કોવિડની અસરોનો વ્યાપક અભ્યાસ વિશ્વમાં અને આપણા દેશમાં થયો છે. અનુભવો આધારિત સંશોધનોથી આવી સગર્ભાઓને કુદરતી પ્રસવ શક્ય જણાતો હોય તો એવું તારણ આપવામાં આવ્યું છે જે પણ અમલમાં મૂકવામાં આવશે. નવા પ્રોટોકોલ પ્રમાણે અમારા અહીંના સ્ટાફ ઉપરાંત નજીકના જિલ્લાઓના સરકારી દવાખાનાઓના તબીબો અને નર્સિંગ સ્ટાફને કોવિડ સગર્ભાઓની સારવાર અને સલામત પ્રસુતિની તાલીમ આપવામાં આવી છે. છેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે અમારા દવાખાના પર અગાઉની સરખામણીમાં ભારણ ઘટવાની અપેક્ષા છે. તેમ છતાં, બહારથી આવતા કટોકટીભર્યા કેસોની સારવાર માટે અમે સજ્જ રહીશું.

Advertisement

પ્રસૂતિનો સમય પાકી ગયો હોય અને પ્રસવ પીડાની શરૂઆત થઈ હોય તેવી સગર્ભાના ગર્ભમાં રહેલા શિશુના હૃદયની ધડકનોનાં મોનીટરીંગ માટે અત્યાર સુધી આ વિભાગમાં કાર્ડિયો ટોકોગ્રાફિનું અદ્યતન યંત્ર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેના આધારે જો કટોકટીની પરિસ્થિતિ જણાય તો વહેલી પ્રસૂતિ કરાવવાનો સમયસર નિર્ણય લઈ શકાય છે.તેમાં તકલીફ એટલી જ કે સગર્ભાની સમીપ રહીને કોઈ વ્યક્તિએ હૃદયના ધબકારાના ગ્રાફનું સતત મોનીટરીંગ કરવું પડે. હવે કદાચ ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ ભાગ્યે જ જોવા મળે એવું લેટેસ્ટ રિમોટ કાર્ડિયોટોકોગ્રાફી ઉપકરણ વિભાગ પાસે ઉપલબ્ધ છે. આ ઉપકરણને લગતી એપ સંબંધિત તબીબો અને નર્સિંગ સ્ટાફના મોબાઈલમાં સ્થાપિત કરવામાં આવી છે જેની મદદથી તેઓ ગમે ત્યાં હોય તો પણ ગર્ભસ્થ શિશુના હૃદયના સ્પંદનોનો જીવંત (આલેખ) તેમના મોબાઈલમાં રિયલ ટાઇમ જોઈ શકાશે અને વધુ અસરકારક મોનીટરીંગ તથા ત્વરિત નિર્ણય સરળ બનશે. ટેકનોલોજીનો આ વિનિયોગ કામગીરીને અસરકારક બનાવશે.

કોરોનાની આફતે ત્રીજીવાર બારણે ટકોરા દીધાં છે ત્યારે ગોત્રી સહિતની સરકારી હોસ્પિટલોનું તંત્ર પડકારોને પહોંચી વળવા સજ્જ છે. રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે પણ જરૂરી ઉપકરણો, દવાઓ ઉપલબ્ધ કરાવી છે. તે પ્રમાણે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ અને તેની હરોળની જ ગોત્રી હોસ્પિટલ સગર્ભાઓ અને પ્રસૂતાઓને મદદરૂપ બનવા તૈયાર છે.


Share

Related posts

ભરૂચ : વેલ્સપન કંપનીના કામદારો આવ્યા રસ્તા પર : પોલીસ અધિકારી કચેરીએ કામદારોએ પાઠવ્યું આવેદનપત્ર : ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

અમદાવાદીઓને સી પ્લેનની સવારી કરવા મળશે, ફરી ઉડતું જોવા મળશે સી પ્લેન

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!