વડોદરા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ગેરપ્રવૃત્તિઓ ખુબ મોટા પાયે ચાલી રહી છે. ત્યારે પોલીસ આ દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ સદંતર બંધ કરાવવા માટે વારંવાર પ્રયાસો કરતી હોય છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં ઝાડી ઝાંખડાઓની વચ્ચે નદી કિનારે ચાલતી ભઠ્ઠીઓ મળી આવવી મુશ્કેલ હોય છે. જેથી પોલીસે આ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપી પાડવા હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહીં છે. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં પોલીસને કેટલીક હદે મોટી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા ડ્રોનની મદદ લીધી હતી.
શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાલીયાપુરા ગામ અને તેની સીમમાં ખુબ મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેમાં વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ભઠ્ઠીઓમાં દેશી દારૂ ગાળીને તેને જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઇ હતી. જેના પરિણામે એફ ડીવીઝનના એ.સી.પી કુંપાવત દ્વારા માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથી રાખી દેશી દારૂની ભઠ્ઠીઓ નેસ્ત નાબુદ કરવા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં બુધવારે વહેલી સવારે 5 વાગ્યાથી પોલીસ દ્વારા ભાલીયાપુરા ગામમાં ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. જેમાં ગામમાંની અંદર 2 અને સીમમાં 4 દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો હોવાનુ કેદ થયું હતુ. જેથી એ.સી.પી એસ.બી કુંપાવત દ્વારા જુદી જુદી ટીમો બનાવી કુલ 6 દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેઇડ પાડી હતી. પોલીસને જોતા જ ભઠ્ઠીઓ પર કામ કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી હતી. જેમાં કેટલાક લોકો ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા. પરંતુ માથાભારે રાવજી દેવજી રાઠોડીયા અને સંજય કાન્તી ઠાકરડા પોલીસના હાથે ઝડપાયા હતા. જોકે આ બન્ને સામે અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનો નોંધાયેલા છે.
આમ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર પોલીસે વહેલી સવારે રેઇડ પાડી 2200 લીટર ગરમ વોશ, 17,400 લીટર ઠંડો વોશ અને કુલ 169 લીટર દેશી દારૂનો નાશ કરી બે શખ્સોની ધરપકડ કરી અને 7 જેટલા લોકોને વોટેન્ડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
ડ્રોનથી કરી જાસૂસી : વડોદરામાં સવારે 5 વાગ્યે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને ACP કુંપાવતની ટીમે કર્યો ખેલ, બુટલેગરોમાં ફફડાટ.
Advertisement