વડોદરા જિલ્લાના તરુણોને કોરોના સામે રસીનું કવચ પૂરૂ પાડવા માટે ચાલી રહેલી ઝૂંબેશને વાલીઓ તથા છાત્રો તરફથી ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળી રહ્યો છે. રસીકરણ ઝૂંબેશનું સ્થળ પર નિરીક્ષણ કરવા માટે કલેક્ટર આર. બી. બારડે આજે કેટલાક વેક્સીનેશન સાઇટની મુલાકાત લીધી હતી.તેમણે જય અંબે વિદ્યાલય અને વેમાલી ગામની મુલાકાત લઇ છાત્રો સાથે સંવાદ પણ સાધ્યો હતો. કલેક્ટર બારડ સવારના પ્રહરમાં જ જય અંબે વિદ્યાલયમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે રસીકરણની કામગીરી કેવી રીતે ચાલી રહી છે ? તેની જાત માહિતી મેળવી હતી. ત્યાં રસી મૂકાવા માટે આવેલા છાત્રો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
કલેક્ટરએ છાત્રોને પૂછ્યું હતું કે, શું તમે નાસ્તો કરીને રસી મૂકાવા માટે આવ્યો છો ? તેના પ્રત્યુત્તરમાં એક છાત્રએ કહ્યું હતું કે, અમને અમારા શિક્ષક તરફથી સૂચના મળી હતી કે નાસ્તો કરીને આવવું. સાથે, આધાર કાર્ડની નકલ સાથે લાવવી. એટલે અમે નાસ્તો કરીને આવ્યા છીએ. અહીં આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાથી કલેક્ટરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે વેમાલી ગામની પણ મુલાકાત લીધી હતી. તરુણોને રસીનું કવચ આપવા માટેના અભિયાનના પ્રથમ દિવસે ૧૭૮૫૮ છાત્રોને કોરોના સામેનું રક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રતિદિન ૧૬ હજાર તરુણોને રસી મૂકવાના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તરુણોને રસી મૂકવામાં આવી હતી. આજ મંગળવારે પણ પૂર્વ સર્વે આધારિત શાળાઓમાં વેક્સીનેશન સેશન ગોઠવવામાં આવ્યા છે. શાળાઓમાં છાત્રોને તેમના અભ્યાસના ધોરણ મુજબ ક્રમાનુસાર રસી મૂકવામાં આવી રહી છે. સાથે, જિલ્લા શિક્ષણ વિભાગને વહીવટી તંત્ર દ્વારા રસીકરણ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
વડોદરામાં કલેકટર આર. બી. બારડે વેક્સિનેશન સ્થળની મુલાકાત લઇ છાત્રો સાથે સંવાદ કર્યો.
Advertisement