વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેસરાડ ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત હુજૂર શૈખુલ ઇસ્લામ સૈયદ મદની મિયા સાહેબનું આગમન થતા તેઓના અનુયાયીઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી. પાલેજ પંથકમાં પાંચ દિવસના પ્રવાસે આવેલા હજૂર શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ મદની મિયા સાહેબ સોમવારના રોજ મેસરાડ ગામમાં આવી પહોંચતા તેઓનું અનુયાયીઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિશાળ શામિયાણા નીચે ઉપસ્થિત અનુયાયીઓને તેઓએ દીદાર આપ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે હજરત સૈયદ મદની મિયા સાહેબ તેમજ સૈયદ હમ્જા અશરફ સાહેબનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત અનુયાયીઓએ ઇસ્લામના અરકાનો વિશે પ્રશ્નોત્તરી કરી હતી. પ્રશ્નોના મુદ્દાસર તેમજ વિસ્તૃત છણાવટ સાથે હજરત સૈયદ મદની મિયા સાહેબે ઉત્તરો આપ્યા હતા. હજરત સૈયદ મદની મિયા સાહેબે ઇસ્લામમાં જે વસ્તુઓને હરામ કરી છે. એનાથી દૂર રહેવા હાજર જનોને અનુરોધ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું સમગ્ર વિશ્વમાં જે બેંકો છે તેનું વ્યાજ મુસ્લિમોથી નથી લઈ શકાતું. ઇસ્લામનું શિક્ષણ પ્રાપ્ત કરવા તેઓએ હાજરજનોને જણાવ્યું હતું.
ઉલ્માઓ, વકીલ તેમજ તબીબની શું જવાબદારી છે તે પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે એ જવાબદારી ઉલ્માઓ, વકીલ અને તબીબે પોતે જ સમજવી જોઈએ. મસ્જિદના પ્રશ્ન બાબતે તેઓએ જણાવ્યું હતું કે મસ્જિદની મિલકત અન્યને આપી નથી શકાતી. જકાત વિશેના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે મદ્રેસા અને મકતબોમાં જકાત આપી શકાતી નથી. જકાત ગરીબો અને મોહતાજ માટે છે. પરંતુ મદ્રેસામાં જે ગરીબ પરિવારના સંતાનો શિક્ષણ પ્રાપ્ત કરે છે તેઓને આપી શકાય એમ તેઓએ જણાવ્યું હતું. પુરુષના મુકાબલામાં સ્ત્રીનો ભાગ કેમ ઓછો છે એના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે પુરુષની જવાબદારી વધુ હોય છે એટલે પુરુષનો હિસ્સો વધુ છે.
અભિપ્રાય વિશેના પ્રશ્નમાં તેઓએ જણાવ્યું હતું કે ઉલ્માએ કિરામ જે નોલેજ ધરાવે છે. તેઓને અભિપ્રાય વિશે પુછવા જણાવ્યું હતું.કોઈ વસ્તુનું જ્ઞાન ન હોય તો જે અનુભવી છે તેઓને પુછો એમ તેઓએ જણાવ્યું હતું. સાંપ્રત સમયમાં મુસલમાનોની યુવા પેઢી માટે કેવું જીવન જોઈએ ? એ પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે યુવા પેઢી સાથે વયસ્કો ને પણ સમજવાની જરૂર છે. યુવા પેઢી ની જવાબદારી તેઓના માતા પિતા પર છે. ખોટા માર્ગે જઈ રહેલી યુવા પેઢીને બચાવવી જોઈએ. યુવા હોય અથવા પ્રોઢ હોય એ લોકોએ પોતાનું જીવન ઇસ્લામી ઢાંચામાં ગુજારવા અનુરોધ કર્યો હતો. દરેક સંસ્કાર ઉમદા હોવા જોઈએ એમ તેઓએ જણાવ્યું હતું. અંતમાં સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતુ. સમગ્ર કાર્યક્રમને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ મેસરાડ ના યુવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ