આજથી ઘણા વર્ષો પહેલા વડોદરાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. થેન્નારસને જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણને વેગ આપવાનો પ્રયોગ અમલી કરાવ્યો હતો. લગભગ તેનાથી પણ પહેલા અને એક સ્વયં પહેલના રૂપમાં ડભોઇ તાલુકાના વાયદપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં યુવા શિક્ષક દંપતી નરેન્દ્રભાઇ અને સુષ્માબહેને શાળા પાસે ઉપલબ્ધ જગ્યામાં શાકનો બગીચો ઉછેરીને વિવિધ પ્રકારના મોસમી શાકોથી બાળ ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાનો દિશાદર્શક પ્રયોગ શરૂ કર્યો.
હાલમાં આ પ્રયોગને ૨૦ વર્ષ એટલે કે બે દાયકા પૂરા થયા છે અને આ શિક્ષક દંપતીએ સના સહયોગથી શાળામાં જ ઉછેરેલા શાકભાજી દ્વારા બાળ પોષણનું અનોખું અભિયાન સતત ચાલુ રાખ્યું છે.કોરોના કાળમાં જ્યારે બાળકો શાળામાં આવતા ન હતાં ત્યારે ઉછેરેલા શાકભાજી તેમના ઘેર પહોંચાડીને પણ અભિયાનને તેમણે આગળ ધપાવ્યું છે અને જે નવા શિક્ષકો શાળામાં આવ્યા એ તમામે આ પ્રયોગમાં સહયોગ આપ્યો છે.
બે દાયકા પહેલાના સમયને યાદ કરતાં નરેન્દ્રભાઇ જણાવે છે કે ત્યારે શાળા પાસે જગ્યા હતી અને મને બાળકોની મદદથી ચોમાસાં શિયાળામાં શાકભાજી ઉછેરી બાળ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝયો ત્યારે પાણીની ખાસ સુવિધા પણ અમારી પાસે ન હતી છતાં આ વિચાર અમલમાં મૂક્યો.
આજે તો વાડી નું રક્ષણ થાય તેવી પ્રાંગણ દીવાલ છે. દાતાઓના સહયોગથી પાણીના બોરની વ્યવસ્થા થઈ છે.ગામલોકો પોતાના ટ્રેકટરની મદદથી જમીન ખેડી આપે છે,બિયારણ મેળવવામાં મદદરૂપ બને છે. શાકભાજી વધતા ઓછા પ્રમાણમાં લગભગ બારેમાસ ઉછેરીએ છે.હું આ પ્રયોગની સફળતામાં યોગદાન આપનારા મારા અન્ય શિક્ષક મિત્રો,દાતાઓ અને ગ્રામજનો સૌ નો દિલ થી આભાર માનું છું.
બાળકોમાં મોટેભાગે શાકભાજી ખાવાની બાબતમાં અરુચિ કે કોચરાઇ જોવા મળે છે.એટલે તેઓ શાકભાજી ઉમેરીને દાળ,મુઠીયા જેવી વાનગીઓ બનાવે છે જે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ખાય છે.મોસમમાં એક બે વાર ઊંધિયા પાર્ટી યોજવામાં આવે છે. જરૂર હોય ત્યાં પોતાના ખીસામાં થી પણ ખર્ચ કરે છે.શાળામાં મોટેભાગે ખૂબ ગરીબ પરિવારોના બાળકો ભણે છે.આ પ્રયોગ થી તેમની થાળીમાં સ્વાદ અને પોષણની વિવિધતા ઉમેરાઈ છે અને શાક ખાવાના ભોજન સંસ્કારનું અમે સિંચન કરી શક્યા તેનો અમને આનંદ છે.
શાળાની વાડીમાં અત્યાર સુધીના ૨૦ વર્ષમાં ઉત્પાદિત શાકભાજી નો અંદાજિત હિસાબ પણ આ ઉત્સાહી આચાર્યે રાખ્યો છે. તેઓ જણાવે છે કે અમારી વાડીમાં અમે મોસમ પ્રમાણે પાલક,મેથી, મૂળા, ગાજર, બીટ,ધાણા ,લસણ, મરચાં,રીંગણ,ટામેટાં, દૂધી, ગલકા,તુવેર,પાપડી, ફલાવર, કોબીજ,લીલી ડુંગળી સહિતના શાકભાજી ઊછેરીએ છે.લાલ અને ગોળ મૂળા જેવી આકર્ષક શાકભાજી અમે ઉગાડી છે.
તેના લીધે ભોજનમાં શાકની સાથે વિવિધ પ્રકારની ચટણીઓ અને સલાડની વિવિધતા તેઓ ઉમેરી શક્યા છે.
તેમના અંદાજ પ્રમાણે શાળાના મધ્યાહન ભોજનમાં અને આંગણવાડી માં પીરસાતી વાનગીઓમાં ૨૦ વર્ષ દરમિયાન લગભગ ૧૧૦૦૦ કિલોગ્રામ,શાળા શાકવાડીમાં ઉગાડેલા વિવિધ પ્રકારના મોસમી શાકભાજી નો ઉપયોગ કર્યો છે.એક કિલોની કિંમત સરેરાશ રૂ.૩૦ મૂકીએ તો આ પ્રયોગ હેઠળ લગભગ રૂ.૩.૩૦ લાખથી વધુ કિંમતની શાકભાજી બાળકોની ભૂખ અને પોષણ આવશ્યકતા સંતોષવામાં ઉપયોગમાં લેવાઈ છે. લગભગ ૧ હજાર કિલોગ્રામ શાકભાજી બાળકોના ઘેર અને દાતાઓ અને શુભેચ્છકોને સૌજન્ય ના રૂપમાં પહોંચાડી છે.તેમની આ વાડી રાજ્યસ્તરે ધ્યાન ખેંચનારી બની છે અને સાથી શિક્ષકો અને પ્રતિનિધિ મંડળોએ તેની મુલાકાત લીધી છે.
એક શિક્ષક શિક્ષણ ઉપરાંત બાળ કલ્યાણ માટે ઘણું બધું કરી શકે છે.ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ગામલોકો અને દાતાઓ નો સહયોગ મળી રહે છે તે આ પ્રયોગ પુરવાર કરે છે.તેમની શાળા માટે હવે આ બાબત પ્રયોગ નહિ વણ લખી પરંપરા બની ગઈ છે. આટલા લાંબા સમય સુધી એક પ્રયોગને આગળ ધપાવવો એ પણ નોંધ લેવાને પાત્ર સિદ્ધિ છે.તેમનો આ શાળા શાકવાડીનો પ્રેરક પ્રયોગ પાઠ્યક્રમમાં સમાવી લેવા જેવો છે.