વડોદરાના ગોરવા વિસ્તારમાં ઘર નજીક ઉભેલા 70 વર્ષીય વૃદ્ધને ગાય ભેટી મારતા થાપામા ફેક્ચર થઈ જતા વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગાયે ભેટી મારવાના કારણે મારું મોત પણ નિપજી શકતું હતું. હાલ વૃદ્ધનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને સળિયો નાખવાની નોબત આવી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધ ઇન્દ્રસિંહ રાણા એલેમ્બિક કંપનીમાંથી નિવૃત્તિ જીવન ગુજારે છે. ગઈકાલે રાત્રે દસ વાગ્યાના સુમારે તેઓ ઘરની નજીક ઉભા હતા. તે સમયે અચાનક દોડી આવેલી ગાયે ભેટી મારી હવામાં ફંગોળ્યા હતા. જમીન પર પછડાતા વૃદ્ધને ડાબા થાપા ઉપર ફેક્ચર થઈ જતા સારવાર માટે માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જેથી જાહેરમાં ગાય છુટ્ટી મૂકનાર પશુપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે નોંધ લીધી હતી કે, આ પ્રકારની ગાયો જાહેરમાં છૂટી ફરતા નાગરિકોના જાનમાલને નુકસાન થવાની સાથે ગંભીર ઇજાઓના કારણે મોટ પણ થઈ શકે છે. તેમજ વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય છે તેવું જાણવા છતાં પશુપાલક માલિકો ગંભીર પ્રકારની બેદરકારી દાખવી બેફામ પશુઓ છૂટા મૂકી દે છે.