ગૃહ કલેશથી કંટાળી ઘરેથી આપઘાત કરવા નીકળેલી પરિણીતાને હરણી પોલીસ મથકની શી ટીમે બચાવી તેના પતિને સોપી હતી. નોધનિય છે કે ત્રણ દિવસ પહેલાં આ ટીમે એક વ્યક્તિને આપઘાત કરતાં બચાવ્યો હતો.
હરણી પોલીસ મથકમાથી મળેલી માહિતી મુજબ હરણી પોલીસ મથકની શી ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે હાફળો ફાફળો ચેતનભાઇ વણકર નામનો વ્યક્તિ આવી પહોંચ્યો હતો. તેને પોલીસને જણાવ્યું કે, મારી પત્ની ઘર કંકાસના કારણે આપઘાત કરવા જાઉ છું, તેમ જણાવી હરણી જુના જકાત નાકા તરફ ગઇ છે.
શી ટીમના વુમન પી.એસ.આઇ. કે.એચ. રોયલા તુરત જ પતિને પોલીસ જીપમાં બેસાડીને આપઘાત કરવા નીકળેલી પરિણીતાને શોધવા નીકળી પડી હતી. પરિણીતાને શોધતા શોધતા ઇ.એમ.ઇ. ગેટ પાસે પહોચતા પોલીસ જીપમાં સવાર પતિ ચેતનભાઇએ દોડતા દોડતા જઇ રહેલી પત્નીને ઓળખી કાઢી હતી.
પતિએ પોલીસને જણાવ્યું કે, દોડતી જાય છે તે મારી પત્ની છે. તેણે બચાવી લો. તુરત જ શી ટીમ જીપમાથી ઉતરી પરિણીતાને પોલીસ મથકમાં લઈ આવી હતી અને પોલીસ મથકમાં તેનું કાઉન્સીલીગ કરી, તેના પતિ સાથે સમાધાન કરાવી પતિને સોપી હતી. પરિણીતાનો જીવ બચાવનાર શી ટીમે પરિણીતાને જીવન જીવવાની પ્રેરણાનો પાઠ પણ ભણાવતા તે ગદગદ થઇ ગઇ હતી અને હવે પછી ગમે તેટલી જીવનમાં મુશ્કેલી આવશે તો પણ મનમાં આપઘાતનો વિચાર નહીં લાવવાની શી ટીમને ખાત્રી આપી હતી. સાથે પરિણીતાએ શી ટીમનો જિદગી બચાવવા બદલ આભાર માન્યો હતો.