સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચના મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી ગ્રાહકની જાણ બહાર લોન ઇસ્યુ કરી હોવાના આક્ષેપો સાથે પીડિત ગ્રાહક દ્વારા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસની કચેરી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા હિનાબેન પટેલ દ્વારા તેઓની દુકાન અર્પણ એન્ટરપ્રાઈઝના નામે કોરોના કાળ દરમ્યાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચ ખાતેથી રૂપિયા 20 લાખની લોન લીધી હતી. જોકે તેઓ લોનના હપ્તા સમયસર ભરતા હોવા છતાં પણ બેન્ક દ્વારા લોનના હપ્તા અંગે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેઓના પતિ નિપુલભાઈ પટેલ દ્વારા બેન્ક ખાતે તપાસ કરતા બેન્ક દ્વારા તેઓના નામે અન્ય લોન ઇસ્યુ કરાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ અંગે તેઓના વકીલ નિસર્ગ જૈનએ જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાદરા બ્રાન્ચના મેનેજર તથા લૉન ઓફિસર દ્વારા હિનાબેનના નામે અગાઉની લોનના હપ્તા ચાલતા હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી હિનાબેનની જાણ બહાર અન્ય રૂપિયા 1 લાખ 19 હજારની લોન ઇસ્યુ કરી દેવામાં આવી હતી. જે અંગે તેઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની કચેરી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.