વડોદરા જિલ્લાના કરજણ ખાતે નવનિર્મિત નગર સેવાસદન કચેરીનું શહેરી વિકાસ અને શહેરી ગૃહ,(રાજ્ય મંત્રી) વિનોદભાઈ મોરડીયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરત મુનિ હૉલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના જિલ્લા – તાલુકા સહિત કાર્યકરો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ નગર સેવાસદનના અઘ્યક્ષા મીનાબેન ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કરજણ નગર સેવાસદન દ્વારા સેવાસદન કચેરીનું બાંધકામ કરવા નક્કી કરાયું હતું. કચેરી સાથે સાથે સેવાસદનની આવક માટે દુકાનોનું પણ આયોજન કરાયું છે. ૮.૬ કરોડના ખર્ચે નગર સેવાસદન ની કચેરી નિર્માણ કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ તળાવનું પણ બ્યુટીફિક્શન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ રાજ્ય મંત્રી નું ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ પુર્વ ધારાસભ્ય સતીષ પટેલના હસ્તે પુષ્પ ગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કરજણ શિનોર પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કરજણ સેવાસદન ઘણા વર્ષોથી ઘણા બધા વિકાસના કામો કરી રહી છે. કરજણ નગર દિનપ્રતિદિન વિકાસની કેડીએ આગળ વધી રહ્યું છે. પીવાના પાણી પ્રશ્ને તેઓએ જણાવ્યું હતું કે તે સમસ્યા હલ થશે. અંડર પાસ માટે ધારાસભ્યએ રજુઆત કરી હતી. કરજણ નગરના જે પ્રશ્નો હશે તે માટે આગળ વધીશું. એમ તેઓએ જણાવ્યું હતું. ઑક્સિજન પ્લાન્ટ ફીટ થઇ ગયો છે. અને ટૂંક સમયમાં કાર્યરત થશે એમ જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે નવી કચેરી અને શોપિંગ સેન્ટર તેમજ તળાવના બ્યુટી ફિક્શન નું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે હું સૌને અભિનંદન પાઠવું છું. હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તળાવ સુંદર બનવાથી નગરજનો માટે એક વોકિંગ માટે સુવિધા ઊભી થઈ છે. સુવિધાઓ માટે સરકાર ખૂબ મોટી ગ્રાન્ટ આપતી હોય છે. ભાજપ સરકાર ગરીબો તેમજ કિસાનોની દરકાર કરતી સરકાર છે. એમ જણાવ્યું હતું.
ત્યારબાદ મુખ્ય વક્તા શહેરી વિકાસ મંત્રી અને શહેરી ગૃહ નિર્માણ (રાજ્ય મંત્રી) વિનોદ ભાઈ મોરડિયાએ તેઓના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આખા દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે દેશમાં ઉજવણી થઈ રહી છે. છેવાડાના માનવી સુધી લોકોને સેવા અને વિકાસના ફળ મળી રહે એ હેતુસર ઉજવણી થઈ રહી છે. સુશાસનના સપનાને સાકાર કરવાની ઉજવણી થઈ રહી છે. લોકોને સુવિધા મળી રહે એ માટે એક ઉમદા પ્રયાસ છે. નગર સેવાસદન દ્વારા તળાવનું જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. તે આંખે ઉડીને વળગે એવું છે. આવનારા દિવસોમાં મુખ્યમંત્રી નું જે સૂચન છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દરેક નગરને સ્વચ્છ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગટરનું પાણી નદીમાં છોડવામાં નહીં આવે. ઘણી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ માં ગુજરાત મોખરે છે. એમ તેઓએ જણાવ્યું હતું. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે નગર, તાલુકા તેમજ જિલ્લા ના ભાજપના અગ્રણીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ