રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુઓની સારવાર માટે વડોદરા જિલ્લામાં દસ ગામ દીઠ એક એવા ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સાચે જ સંજીવની સમાન બની રહ્યા છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કર્યારત ફરતું પશુ દવાખાના (રાજપુરા) દ્વારા શરણેજ ગામમાં એક ભેંસને સમયસર અને ત્વરિત સારવાર આપી જીવ બચાવ્યો હતો.
એમ્બ્યુલન્સ પોતાની શિડ્યૂલ વિઝિટમાં હતી અને ડોક્ટરની મુલાકાત દરમિયાન ખબર પડી કે ભેંસ છ મહિનાની ગાભણ છે અને સાથે તરવાઈ ગઈ છે.
ભેંસના માલિક સંજયભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર આ ભેંસની તકલીફ અંગે માલિકે એક બે વખત ખાનગી ડોક્ટરની વિઝીટ પણ બોલાવી હતી પરંતુ બધા જ ડોક્ટરે ભેંસનો જીવ બચવવો ખુબ મુશ્કેલ છે તેમ જણાવ્યું હતું પરંતુ સરકારી ફરતા પશુ દવાખાનાના ડો. દીપાબેન પરીખે આ અશક્ય કામને જરૂરી સર્જરીના સાધનોની મદદથી આશરે બે કલાકની જહેમત બાદ તેમની આવડત અને નિપુણતાને લીધે છ મહિનાના મૃત બચ્ચાંને ગર્ભાશયથી અલગ કરીને નવસેકા પાણીથી બરાબર ધોઈને અને તેને પછી તેની જ જગ્યાએ મૂકીને જરૂરી દવાઓ જેવી કે Inj-કેલ્શિયમ બોરોગ્યલુકોનેટ, Inj-ઓક્સીતેત્રાસાયકલિન અને બીજી અન્ય દવાની મદદથી ભેંસનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.
ભેંસના માલિક ફતેહસિંહ ચૌહાણે ડોક્ટર અને તેમની ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. રાજય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ફરતા પશુ દવાખાના મારફત ગામડાઓમાં પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.