વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝી જતા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે તેઓને એસ.ઓ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી.
ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ચાર કર્મચારીના મોત નિપજ્યાની માહિતી સામે આવી છે અને 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી અને આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા અનેક કામદારો ઇજાગ્રસ્ત : 4 નાં મોત.
Advertisement