માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે સવારે અહીં ટ્રાફિક સમસ્યાથી ગ્રસ્ત દુમાડ ચોકડીની મુલાકાત લીધી હતી અને એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી હતી. મંત્રી મોદી સવારમાં દુમાડ ચોકડી ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે સર્વ પ્રથમ એક્સપ્રેસ હાઇવેના નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે દુમાડ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે એક પ્લાન સૂચિત કરવામાં આવ્યો છે.
આ પ્લાન મુજબ ભરૂચ તરફથી આવતા ટ્રાફિક માટે હયાત ઓવર બ્રિજના સમાંતર સાત મિટરની પહોળાઇ અને દોઢેક કિલોમિટરની લંબાઇનો બીજો ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૂચિત ઓવર બ્રિજ બે લેનનો રહેશે. જેથી ભરૂચ, સુરત, વલસાડ અને મુંબઇ તરફથી આવતા વાહનો સૂચિત ઓવર બ્રિજના માધ્યમથી સીધા અમદાવાદ તરફ જઇ શકશે.
દુમાડ ચોકડીના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સૂચિત પ્લાનમાં એવું પણ છે કે, અમદાવાદ તરફથી આવતા અને વડોદરા નગરમાં જતા ટ્રાફિક માટે અન્ય અલાયદી લેન આપી દેવામાં આવશે. જેથી દુમાડ ચોકડી ખાતે વાહનો પસાર થવાનું ભારણ એકદમ ઘટી જશે. મંત્રીએ દુમાડ ચોકડીની પણ જાત મુલાકાત લીધી હતી અને કેવી રીતે ટ્રાફિકને સૂચિત પ્લાનમાં પરિવર્તિત કરી શકાય એની જાણકારી મેળવી હતી. તેઓ ચોકડીના બ્રિજ ઉપર જઇને પણ ટ્રાફિકનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે ઉક્ત બન્ને એજન્સીના અધિકારીઓ તથા કન્સલ્ટન્ટની કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા. આ મુલાકાત વેળાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વડોદરાની દુમાડ ચોકડીની ટ્રાફિક સમસ્યાનો કાયમી નિવારણ લાવવા માટે માર્ગ મકાન વિભાગના મંત્રીએ કર્યું નિરીક્ષણ.
Advertisement