વડોદરા: દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીસાથે ચળવળમાં ભાગ લેનાર વડોદરાના સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રભાઇ જોષીએ સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્શન ક્યારેય લીધુ નથી. તેઓ કહે છે કે, જો પેન્શન લઉ તો મેં દેશની આઝાદી માટે આપેલું યોગદાન એળે જાય. પેન્શન લઉ તો મને લાગે કે, મેં દેશ માટે આપેલા યોગદાનનું વળતર લીધું છે. વળતર લઇને દેશ-સમાજની સેવા કરવી એ સેવા નથી. જેથી હું સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન લેતો નથી.
દેશની આઝાદી લડવૈયા નરેન્દ્રભાઇ નથી લેતા પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ
પ્રવર્તમાન રાજકારણથી ભારોભાર નારાજ એવા સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રભાઇ નાથુશંકર જોષીનો આવતીકાલે 30 ઓગષ્ટે 97મો જન્મ દિવસ છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી ડભોઇયા પોળમાં પત્ની નિર્મળાબહેન(ઉં.વ.88), પુત્ર સંજય, પુત્રવધૂ દક્ષાબહેન અને પ્રપૌત્ર સાથે નરેન્દ્રભાઇ જોષી આજના યુવાનોને શરમાવે તેવી જિંદગી જીવી રહ્યા છે. તેઓ કહે છે કે, મે આજ દિવસ સુધી ક્યારેય મારો જન્મ દિવસ મનાવ્યો નથી. હું શતાબ્દી મહોત્સવ(100 વર્ષ) ઉજવવા માંગુ છું. હું વર્ષ-2022માં ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મતદાન કરવાનો છું. અને હું મતદાન કરીશ તેમાં બે મત નથી. ચાર-પાંચ વર્ષો તો પસાર કરી દઇશ. તેવો મને વિશ્વાસ છે.
97 વર્ષની ઉંમરે પોતાની જાતે જ પોતાનું કામ કરતા નરેન્દ્રભાઇ જોષી લાકડીના ટેકા વિના ચાલે છે. ચશ્મા વિના સમાચારપત્રો વાંચે છે. રોજ વહેલી સવારે ઉઠી જાય છે. અને ચા-નાસ્તો કરે છે. બપોરે દાળ-ભાત જમે છે. અને સાંજે 7-30 કલાકે દૂધ-રોટલી જમે છે. તેઓ પોતાનો સમય ઓમ નમઃ શિવાયના જાપ લખીને તેમજ ટી.વી.માં આવતી મોરારી બાપુની કથાઓ અને ધાર્મિક કાર્યક્રમો જોઇને પસાર કરે છે.
નરેન્દ્રભાઇ જોષી વર્ષ-1980થી એક કિડની ઉપર જીવે છે…શું છે ફિટનેશ નું રહસ્ય…
આશ્ચર્યની બાબત તો એ છે કે, નરેન્દ્રભાઇ જોષી વર્ષ-1980થી એક કિડની ઉપર જીવે છે, છતાં તેઓ શારીરીક ફિટ છે. 96 વર્ષે પણ ફિટ રહેવા પાછળનું કારણ પુછતા તેઓએ જણાવ્યું કે, હું મહાત્મા ગાંધીજીએ બતાવેલા ચૂસ્ત નિયમ, પ્રમાણિકતા અને નિઃસ્વાર્થ સેવાના માર્ગે જ ચાલુ છુ. જો જીવનમાં પ્રમાણિકતા રાખો તો કોઇ દવા અને દુઆની જરૂરીયાત રહેતી નથી. આજની તારીખમાં પણ હું કોઇ દવા લેતો નથી. મારી દવા મારી પ્રમાણિકતા છે.
નિરોગી અને પ્રમાણિક એવા સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રભાઇ જોષી રેલવેમાંથી નિવૃત્ત થયા બાદ સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. આજે તેઓ ઓમ નમઃ શિવાયના જાપ લખીને તેમજ વડીલોની જીવન સંધ્યામાં આથમતા સૂરજના અજવાળાં..નામનું પુસ્તક લખીને પત્ની અને પરિવાર સાથે સુખમય જીવન પસાર કરે છે. તેઓ કોઇ તહેવારે તેમણે ઘરે મળવા આવે, જન્મ દિને શુભેચ્છા આપવા માટે આવે તેઓને ગીતાનું પુસ્તક ભેટમાં આપે છે.
આગળની સ્લાઇડમાં વાંચો… અત્યારનું રાજકારણ રાજકારણ નથી. પરંતુ ગંદવાડો છે….
વર્તમાન રાજકારણ વિષે સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રભાઇ જોષીએ જણાવ્યું હતું કે, અત્યારનું રાજકારણ રાજકારણ નથી., પરંતુ ગંદવાડો છે. વર્તમાન રાજકારણની વાતો સાંભળીને અને જાણીને ઘણું દુઃખ થાય છે. આજના નેતાઓને દેશની કોઇ ફિકર નથી. માત્ર તેઓને તેમના વિકાસની ચિંતા છે. પહેલાના રાજકારણીઓ અને વર્તમાન રાજકારણીઓ વચ્ચે આભ-જમીનનો ફરક છે.
તેમણે જણાવ્યું કે, મારા આદર્શ મહાત્મા ગાંધી છે. તેમના ચિંધેલા માર્ગે મેં 96 વર્ષ પૂરા કર્યા છે. આવતીકાલે 30 ઓગસ્ટે 97માં વર્ષમાં પ્રવેશ કરીશ. અને સેન્ચુરી પણ પૂર્ણ કરીશ. અને ધામધૂમથી મારા સંતાનો અમેરિકા સ્થિત પુત્ર ધ્રુવ, ડો. હેમંત, સંજય, દીકરી દક્ષા દવે તેમજ પુત્રવધૂ દક્ષા, પ્રપૌત્ર ધવલ, હિરલ સાથે શતાબ્દી ઉજવીશ. કારણ કે, 100 વર્ષ પૂર્ણ કરવા માટે મારી પાસે પ્રમાણિકતાની જડીબુટ્ટી છે…સૌજન્ય-D B …જીતુ પંડ્યા