ગુજરાત રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થતા સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જેને લઇને પરીક્ષાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે અગાઉ પણ ઘણા પેપર લીક થવાના બનાવો બન્યા છે. ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકની ઘટનાને લઇને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર માત્ર રોજગારી આપવાના નામે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. ત્યારે પેપર લીકની ઘટનાને લઇને યોગ્ય તપાસ કરવામાં આવે તથા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને પરીક્ષાર્થી ઉમેદવારોને પુનઃપરીક્ષા ન લેવાય ત્યાં સુધી આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા અમિ રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના કોર્પોરેટરો તથા કોંગ્રેસ પક્ષના અન્ય આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ દ્વારા પ્લેકાર્ડ તથા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના મામલે વડોદરા શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આપ્યું આવેદન.
Advertisement