– આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી થશે મતદાન
– તમામ પ્રકારનું ચૂંટણીલક્ષી સાહિત્ય મતદાન મથકો પર રવાના કરાયુ
વડોદરા જિલ્લામાં ૨૬૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત ૧૪૯૪ વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આવતીકાલે રવિવાર તા.૧૯ ડિસે-૨૦૨૧ ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૨૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે રવાનગી કેન્દ્રો પરથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિમાયેલા ચૂંટણી નિરીક્ષક અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, વડોદરા કચેરીના અધિક કલેકટર ગોપાલ બામણિયાએ આજે ડભોઈ ખાતેના મતદાન રવાનગી અને સ્વીકાર કેન્દ્રની મુલાકાત લઈ મતદાન સામગ્રી રવાનગી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડભોઈના મામલતદાર ચિંતન ચૌધરી હાજર રહ્યા હતા.