વડોદરાના ગદાપુરા ગામમાં ગોત્રી પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ખૂલ્લેઆમ દારૂનો ધંધો કરતા બુટલેગરની ત્યાં પી.સી.બી. શાખાની ટીમે દરોડો પાડી રૂપિયા 1 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પી.સી.બી.ની ટીમ કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં બંદોબસ્તમાં હતી તે સમયે માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે, નામચીન બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.
આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઇ દારૂની હેરાફેરી કરતા તેમજ દારૂનું વેચાણ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે પી.સી.બી.ની ટીમ ન્યાય મંદિર કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં બંદોબસ્તમાં હતા. દરમિયાન એ.એસ.આઇ. હરીભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહને માહિતી મળી હતી કે, ગદાપુરા ગામના માળી મહોલ્લામાં રહેતો નામચીન બુટલેગર સાહીલ ઉર્ફ જુહુ અર્જુનભાઇ માળી દારૂનો ધંધો કરી રહ્યો છે. અને તેને દારૂનો જથ્થો તેના ઘરની સામે આવેલ અવાવરું જગ્યામાં ખાડો ખોદી પીપડા દાટી તેમાં પીપડા ઉતારીને દારૂનો જથ્થો સંતાડ્યો છે. અને પોતાના ઘરમાં પણ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે દરોડો પાડી બુટલેગર સાહીલ ઉર્ફ જુહુ માળીના ઘરમાંથી અને તેના ઘરની સામે આવેલ અવાવરુ જગ્યામાં ખાડો ખોદીને દાટેલા પીપળામાંથી વિવિધ બ્રાન્ડની 1 હજાર ઉપરાંત દારૂની બોટલો તેમજ 99 બીયરના ટીન મળી કુલ્લે રૂપિયા 1,03,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, પોલીસે દરોડો દરમિયાન નામચીન બુટલેગર સાહિલ ઉર્ફ જહુ માળી મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે પી.સી.બી.એ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળેલી માહિતી પ્રમાણે અગાઉ પણ પી.સી.બી.એ ગદાપુરા ગામના બુટલેગર સાહિલ ઉર્ફ જહુ માળીના ઘરે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વડોદરાના ગદાપુરા ગામમાં બુટલેગરને ત્યાં 1 લાખથી વધુનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો.
Advertisement