કરજણ ભરત મુનિ હૉલ ખાતે શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા લઘુમતિ મોરચાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ વડોદરા જિલ્લા લઘુમતિ ભાજપ અઘ્યક્ષ અહેમદ શેખે ઉપસ્થિત અતિથીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત અતિથીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણા માટે ખુશીનાં સમાચાર છે. ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કરજણ પધાર્યા છે. એનાથી વિશેષ કંઈ જ નથી. લઘુમતિ સમાજ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે એ ખૂબ સારી વાત છે. કરજણની રંગ અવધૂત મહારાજની પવિત્ર ભૂમિ પર લઘુમતિ સમાજના સૂફી સંત મહેબૂબ અલીબાવા ઉપસ્થિત થયા તે માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ રાષ્ટ્રીય ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી સૂફી સંત મહેબૂબ અલી બાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તમારું દિલ સાફ હશે તો સફળતા જરૂર મળશે. ભાજપની સાથે રહો, માનવતાનો સંદેશ ભાજપ લઘુમતિ મોરચાએ આપ્યો છે એમ તેઓએ જણાવ્યું હતું. ભાજપનો સંદેશ સૌનો સાથ સૌનો વિકાસ છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે કિસાન નિધિ યોજના ચાલુ કરી એનો વધુ લાભ મુસ્લિમોને મળ્યો છે. ભાજપ યોજનાઓનો લાભ આપવામાં કોઈ ભેદભાવ ન રાખતી હોવાનું જણાવ્યું હતું. દિશા બદલો તો દશા બદલાઈ જશે એમ તેઓએ જણાવ્યું હતુ.
ત્યારબાદ ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપે એક સામન્ય કાર્યકરને ઓળખ્યો છે. હું પણ સામન્ય કાર્યકરથી ભાજપ લઘુમતિ રાષ્ટ્રીય મોરચાના અધ્યક્ષ સુધી પહોંચ્યો છું. મારું સદભાગ્ય છે કે હું ભાજપમાં કામ કરી રહ્યો છું. શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતા. બાલ ઠાકરે સાથે કામ કરવાવાળા આજે પણ ચરણ સ્પર્શ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ સાથે કામ કરવાવાળા પોતાના પરિવાર માટે કામ કરે છે. જ્યારે ભાજપ દેશ માટે કામ કરતું હોવાનું જણાવ્યું હતું.
ભાજપ સૌને સાથે લાવવા કામ કરી રહ્યું છે. વોટ બેન્ક માટે અન્યોએ દીવાલ ઉભી કરી છે. એવા આક્ષેપો કોઈનું પણ નામ લીધા વગર કર્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમ નો લાભ સમગ્ર દેશને મળશે એમ તેઓએ જણાવ્યું હતું. ગુજરાતનું મહત્વ સમગ્ર દેશમાં હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની ધરતી એ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ તેમજ નરેન્દ્ર મોદી જેવા નેતાઓ આપ્યા છે. મોટા પદ પરિવારો માટે હતા તેવા આક્ષેપો પક્ષનું નામ લીધા વગર કર્યા હતા.
ભાજપ અલ્પ સંખ્યકના સૌ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપને બદનામ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. આજે મોદીની કે સરકાર છે તે વિકાસ કરવામાં સક્ષમ છે એમ તેઓએ જણાવ્યું હતું. આપણી જવાબદારી સૌને સાથે લાવવાની છે. ભાજપમાં અલ્પ સંખ્યકને સૌથી વધુ મહત્વ આપ્યું હોવાનું જણાવ્યું હતું. અન્ય પક્ષોએ મુસ્લિમોને કોઈ મહત્વ આપ્યું ન હોવાનું જણાવ્યું હતું. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ચાલુ કાર્યક્રમમાં થોડી ક્ષણો માટે વીજ પુરવઠો ખોરવાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમ માં વડોદરા જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ