કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીના કિનારે બકરા ચરાવી રહેલા એક કિશોર પર મગરે હુમલો કરી કિશોરને નદીના ઉંડા પાણીમાં ખેંચી જઈ પોતાનો શિકાર બનાવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પિંગલવાડા ગામનો વિજય માળી ઉ.વ. 15 બકરા ચરાવવા ગયો હતો. વિજય ઢાઢર નદી કિનારે બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક મગરે વિજય પર પાછળથી હુમલો કરી વિજયને નદીના ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો.
ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો ઢાઢર નદી કિનારે પહોંચ્યા હતા અને કિશોરની સઘન શોધખોળ આદરી હતી. કિશોરની શોધખોળમાં સ્થાનિક ગ્રામજનોની સાથે કરજણ પાલિકા ફાયર વિભાગ પણ જોડાયું હતું. વડોદરા ફાયર વિભાગને જાણ કરતા વડોદરા ફાયર વિભાગના કર્મીઓએ પણ લાપતા બનેલા કિશોરની શોધખોળ આદરી હતી. પરંતુ તેઓને પણ કિશોરને શોધવામાં નિષ્ફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ઢાઢર નદી કિનારે ઢોર ચરાવતા લોકો પર મગરોના હુમલાની ઘટનાઓ બની હતી. કિશોર પર મગરે કરેલા હુમલાના પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરે એક કિશોરને શિકાર બનાવ્યો.
Advertisement