સમ્રગ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી ધોરણ 6 થી 8 ના વર્ગોનું “ઓફલાઈન શિક્ષણકાર્ય” શરૂ થતા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. તે સાથે વડોદરા જીલ્લામાં પણ શાળાઓ ફરીથી 50% હાજરી સાથે ધમધમી ઉઠી છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે માર્ચ 2020 થી બંધ રહેલા શાળાના પ્રાંગણ ફરી ખીલી ઉઠ્યા છે.
કરજણ તાલુકાના સૌથી મોટા વલણ ગામની બંન્ને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6, 7 અને 8 માં કોરોના ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. વાલીઓની પરવાનગી બાદ આજથી વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાના બાળકોનો અભિપ્રાય લેતા જાણવા મળ્યુ કે, “અમને પ્રત્યક્ષ શિક્ષણમા જ ભણવાની મજા આવે છે.”
આ સમયગાળા દરમ્યાન સમયાંતરે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. આજથી સરકારના આદેશથી ધોરણ 6 થી 8 ના વર્ગો સ્કૂલમાં શરૂ કરી વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ આપવાની પ્રક્રિયા અંતર્ગત શાળાના વર્ગોમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. શાળાઓ ખુલતાની સાથે શાળાએ જતા બાળકોમાં એક અનેરો ઉત્સાહ અને ચહેરા પર પોતાના શિક્ષકો, મિત્રોને મળવાનો અનેરો આંનદ દેખાય આવતો હતો.
તૌસીફ કિકા, વલણ