કરજણ તાલુકાના દેથાણ ગામ ખાતે બનેલ ગોઝારી ઘટનાના સંદર્ભે હજુ પણ પડઘા સંભળાઈ રહ્યા છે. અનેક સંસ્થાઓ દ્વારા ઘટનાને વખોડી કાઢી નરાધમોને સખત સજા કરાવવામાં આવે એવી માંગ થઇ રહી છે. ત્યારે મૂળનિવાસી એકતા મંચ દ્વારા ગુરુવારે કરજણના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં સંગઠનના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્રમા જણાવ્યું હતું કે કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા તમામ પરપ્રાંતીઓએ પોતાના આઈડી પ્રૂફ કરજણ પોલીસ મથકમાં વેરીફાઇ કરાવવા તથા નવા આવેલા પરપ્રાંતીઓએ પણ તેઓના આધારકાર્ડ ચુંટણીકાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ સાથે કરજણ પોલીસ મથકમાં વેરીફાઇ કર્યા બાદ જે તે કામના સ્થળે હાજરી આપવાની આવેદનપત્રમાં માંગ કરી હતી. દેથાણ ગામની સીમમાં બનેલી ઘટનાનો કેસ ફાસ્ટટેક્ર કોર્ટમાં ચાલે અને ઝડપથી આવા દુષ્કર્મી નરાધમોને કડકમા કડક સજા થાય એવી માંગ સાથે મૂળનિવાસી એકતા મંચ તથા અન્ય સંગઠન ના કાર્યકરો ઉપસ્થિત રહી કરજણના મામલતદારને આવેદપત્ર પાઠવ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ